જામનગરના દરેડ સ્થિત જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન દ્વારા મિલકત વેરાના પ્રશ્ને મહાનગરપાલિકા સામે કાનૂની જંગના મંડાણ કરવામાં આવનાર છે. તેમ ગઈકાલે થયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ ચાંગાણીએ જણાવ્યું હતું.

ર૯૬ હેક્ટરમાં ફેલાયેલ જીઆઈડીસી (દરેડ) વિસ્તારમાં રપ૦૦ થી ૩૦૦૦ જેટલા કારખાનાઓ કાર્યરત છે જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અઢી લાખ લોકોને રોજગારી મળે છે.

આ વિસ્તારને નોટીફાઈડ એરિયા જાહેર કરવાની માંગણી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. આ માટે લાંબા સમયથી જીઆઈડીસી સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે, જો કે હજુ સુધી માંગણી સ્વીકારવામાં આવી નથી.

બીજી તરફ જીઆઈડીસી ફેસ-ર, ૩ વિસ્તાર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ થયો હતો. આથી મહાનગપાલિકાએ તાજેતરમાં કારખાનેદારોને પાંચ વર્ષના આશરે ૧૬ થી ૧૭ કરોડના વેરાના બીલ ફટકાર્યા હતાં.

તેનો વિરોધ કરતા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ ચાંગાણીએ જણાવ્યું હતું કે, અમો જીઆઈડીસીને સર્વિસ ચાર્જ ભરપાઈ કરીએ છીએ ત્યારે મહાપાલિકાના વેરાના બીલોથી કરનું બેવડુ ભારણ આવી પડે તેમ છે.

જીઆઈડીસી ફેસ-ર અને ૩ વિસ્તારમાં વિકાસ કાર્યો અન્વયે મહાનગરપાલિકા સામે એમઓયુ કરવા વાટાઘાટો ચાલતી હતી, પરંતુ મહાનગરપાલિકાએ એમઓયુ કરવાનો ઈન્કાર કર્યો છે તેમ અખબારો મારફત જાણવા મળ્યું છે, પરંતુ હજુ સુધી આ સંસ્થાને લેખિતમાં કોઈ જાણ કરવામાં આવી નથી.અગાઉ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વટવા, ઓઢવ, નરોડા જીઆઈડીસી સાથે એમઓયુ થયા છે તો જામનગરમાં શા માટે નહીં?મહાનગરપાલિકાને વિકાસ કામમાં રસ નથી, પરંતુ વેરો ઉઘરાવવામાં જ રસ હોય તેમ જણાય છે.

મહાનગરપાલિકાએ ફેસ- ર અને ૩ વિસ્તારનો હજુ વિધિવત્ કબજો જીઆઈડીસી પાસેથી મેળવ્યો નથી. આ માટે નિયમોનુસાર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી નથી, છતાં મહાનગરપાલિકા દ્વારા કારખાનેદારોને વેરા વસૂલાત માટેના બીલો ફટકારી દેવામાં આવ્યા છે.

આથી ઉદ્યોગકારોમાં વ્યાપક રોષ ફેલાયો છે અને આગામી દિવસોમાં આ પ્રશ્ને કાયદાકીય રાહે લડત આ૫વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસો. દ્વારા મહાનગરપાલિકા સામે લડત કરવા કોર્ટના દરવાજા ખટખટાવાશે.

આમ હવે એવું સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં હવે સંસ્થા અને સરકાર વચ્ચે લડતના મંડાણ થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.