રાંદલનગર વિસ્તારમાં એસઓજી પોલીસે ગેસ સીલીન્ડરમાંથી ગેસ કાઢી ગેરકાયદેસર ગેસ રીફિલીંગ કરતા બે શખ્સોને પકડી પાડયા છે. આ બન્ને શખ્સો ડિલીવરીમેનની ભૂમિ ભજવતા હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકોના સિલીન્ડરમાંથી ગેસ કાઢી લેતા હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે ગેસ સિલીન્ડર અને અન્ય મુદામાલ સહિત રૂા. સવા લાખનો મુદામાલ કબ્જે કરી બન્નેની ધરપકડ કરી છે.
એસઓજીના પી.આઇ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસને રાંદલનગર વિસ્તાર પાસે રોડ પર બે શખ્સો એક રીક્ષા છકડામાં ભરેલા સીલીન્ડરમાંથી ખાલી સિલીન્ડરમાં ગેસનુ રીફિલીંગ કરી ગેરકાયદે વેચાણની પેરવી કરી રહયા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટીમે ધસી જઇ ઉકત સ્થળે દરોડો પાડતા બે શખ્સો ગેરકાયદે રીફિલીંગ કરતા માલુમ પડયા હતા.
આથી પોલીસે રીક્ષા ચાલક મનસુખ ઉર્ફે મનો નારણભાઇ ટોયટા અને રૂડેશ ઉર્ફે રાહુલ હિરાભાઇ સોલંકીને પકડી પાડી તેના કબજામાંથી અઢાર ભરેલા ગેસ બાટલા, બે ખાલી સીલીન્ડર, ગેસ રીફિલીંગ માટેની નિપલ,રીક્ષા સહિત રૂ.1.17 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે જાતે ફરીયાદી બની બંને સામે સીટી બી પોલીસ મથકમાં આવશ્યક ચિજ વસ્તુ અધિનિયમની કલમ હેઠળ ફરીયાદ દાખલ કરાવી તપાસ હાથ ધરી છે.