જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં હાડકાના દરદીઓના ઓપરેશનમાં વિલંબના કારણે અનેક દરદીઓ પીડા ભોગવી રહ્યા છે. ખંભાળીયા-ભાણવડના કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમે જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને આવેદનપત્ર પાઠવી સત્વરે યોગ્ય અને પર્યાપ્ત વ્યવસ્થા કરવા રજુઆત કરી છે. અન્યથા હોસ્પિટલ સામે ઉપવાસ આંદોલન શરૃ કરવામાં આવશે તેવી ચિમકી આપી છે.
હાલ જી.જી. હોસ્પિટલમાં દરરોજ ઘણા દરદીઓ અકસ્માતમાં ઈજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે આવે છે. હાલ અમારી જાણમાં આવેલ ત્રણ દર્દીઓ એવા છે જે દર્દીઓ ૮-૮ દિવસથી હોસ્પિટલમાં ઓપરેશનની રાહ જોઈને પીડા ભોગવતા બેઠા છે.
આ દર્દીઓની મુલાકાત લેતા અને ડોકટર સાથે વાત કરતા જાણમાં આવેલ છે કે દર્દીના ઓપરેશન માટે સામાન (પ્લેટ) હાજર નથી. જે સામાન તો સમય જતા ડોકટર દ્વારા જણાવેલ કે સામાન આવી ગયેલ છે. પરંતુ આ પ્લેટ ફીક્સ કરવા માટે જરૂરી સાધનો (ડીસમીસ, પાના વિગેરે) હોસ્પિટલ પાસે નથી. આ સામાન પણ મંગાવવામાં આવેલ છે. ખરેખર દરેક વખતે હાડકાં વિભાગના દર્દીઓને સામાનના વાકે ઓપરેશનમાં વિલંબ થાય છે. અને બિચારા ગરીબ અને નિ:સહાય દર્દીઓ કે જે લોકો પાસે સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા સિવાય કોઈ વિકલ્પ જ નથી આવા તો ઘણાં દર્દીઓ છે.
જો તમે ડોકટર જ દર્દીની પીડાને નહીં સમજો તો સામાન્ય માણસ સારવાર માટે કોનો આસરો લે? હું આજ દિવસ સુધી હોસ્પિટલને એક પવિત્ર મંદિર ગણીને ચાલુ છું. આ હોસ્પિટલને મારે કોઈ જ જાતનો રાજકીય અખાડો નથી બનાવવા ઈચ્છતો પરંતુ જો આવીને આવી પરિસ્થિતિ રહી અને જો આ સાધનો તાત્કાલીક ધોરણે મંગાવીને શુક્રવાર સુધીમાં દર્દીના ઓપરેશન કરવામાં નહીં આવે તો ફરજીયાત ધોરણે હોસ્પિટલ સામે ઉપવાસ પર બેસી અને ગાંધી ચિન્ધીયા માર્ગે હોસ્પિટલ માટે પણ આંદોલન કરવું પડશે. હાડકાના વિભાગમાં દાખલ દર્દીની તપાસ કરી તાત્કાલીક ધોરણે તેમના ઓપરેશન પૂર્ણ કરાવી તેમને પીડામાંથી મુક્ત કરો અને મારે ઉપવાસ પર બેસી હોસ્પિટલમાં રાજકીય દબાણ ન લાવવું પડે તેવો રસ્તો અપનાવવા તેમણે માંગણી કરી છે.