સાગર સંઘાણી
જામનગરવાસીઓની આરોગ્ય સુવિધામાં વધારો થશે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અંદાજે ૧૩ કરોડના ખર્ચે નવા એમ.આર.આઇ. મશીનનું આવતા રવિવારે લોકાર્પણ થશે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ રાજ્યના આરોગ્ય મંત્રીનો આભાર વ્યક્ત કર્યોજામનગર ની એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં ૮૭ જેટલી ખાલી જગ્યા ના પુછાયેલા પ્રશ્ન નો પણ આરોગ્ય મંત્રીએ પ્રત્યુત્તર આપ્યો હતો.
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલ માટે ખૂબ જ આનંદદાયક સમાચાર ગુજરાત રાજ્યની વિધાનસભાના પ્રસનકાળ દરમિયાન પ્રાપ્ત થયા છે. કે જેમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂપિયા ૧૩ કરોડ ના ખર્ચે નવુ એમ.આર.આઇ. મશીન મોકલવામાં આવ્યું છે, જેનું રવિવારે લોકાર્પણ થશે. જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ ગુજરાતી વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રીને રૂપિયા દસ કરોડના અંદાજિત ખર્ચે વસાવાયેલા એમ.આર.આઇ. મશીન ના લોકાર્પણ બાબતે આરોગ્ય મંત્રી અને ગુજરાત સરકારનો સમગ્ર જામનાગરવાસીઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો.
જેના પ્રતિભાવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે અંદાજે ૧૦ કરોડ નહીં પરંતુ ૧૩ કરોડના ખર્ચે એમ. આર. આઈ. મશીન ખરીદાયું છે, અને તેનું લોકાર્પણ પણ થશે, અને જામનગર શહેર જિલ્લા અને આસપાસના જિલ્લાની જનતાને તેનો લાભ મળતો થઈ જશે.
આ ઉપરાંત ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીને ધારાસભ્ય દિવ્યેશભાઈ દ્વારા પૂછવામાં આવેલા જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં વિવિધ સંવાર્ગોની જગ્યા ખાલી રહેવાના કારણો અંગે પણ પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું હતું કે એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં વર્ગ -૧ માં પ્રાધ્યાપકની ૧૧ જગ્યાઓ, એસોસિયેટ પ્રોફેસર ની ૧૮ જગ્યાઓ, અને મદદનીશ પ્રાધ્યાપકની ૫૮ જગ્યાઓ આમ મળીને કુલ ૮૭ જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, બદલી, રાજીનામાં, અને લાયક ઉમેદવાર ન મળવાના કારણસર ખાલી રહેતી હોય છે.