જામનગર શહેરમાં રહેતા મુકેશભાઇ તારાચંદભાઇ શાહ નામના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદીએ આપેલી માહિતી મુજબ, તેમની આરાધ્ય સેલ્સ એજન્સીના ગ્રાહકોને અમદાવાદથી ગોવાની ટુરનું આકર્ષક પેકેજ આપવામાં આવ્યું હતું. આ ટુરનું આયોજન અમદાવાદના આંનદ સોની નામના શખ્સની ડ્રીમ હોલીડે કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. ફરીયાદીએ એરલાઇન્સના ભાડા પેટે આંનદભાઇને રૂ. 17,48,120ની મોટી રકમ ચૂકવી દીધી હતી.
જોકે, થોડા સમય બાદ આંનદ એ ટુર કેન્સલ કરી દીધી હતી અને ફરીયાદીને પૈસા પરત આપવાની ના પાડી દીધી હતી. આ ઉપરાંત, તેણે એરલાઇન્સનું પી.એન.આર. નંબર પણ આપ્યો ન હતો. ફરીયાદીએ આ અંગે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી આંનદભાઇ સોની સામે આઈપીસી કલમ 420 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
સાગર સંઘાણી