રુા.24 લાખની કિંમતનો 30 ટન કોલસો અન્ય ટ્રકમાં ખાલી કરી ટ્રક રેઢો મુકી ભાગી ગયા: પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી પગેરુ દબાવ્યું
જામનગર-ખંભાળીયા હાઇવે પર આવેલા સરમત ગામના પાટીયા પાસે કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ કોલસો ભરેલા ટ્રકને આંતરી લૂંટ ચલાવ્યા બાદ કોલસો અન્ય ટ્રકમાં ખાલી કરી ટ્રકમાં પંચર પાડી ચારેય શખ્સો ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે રુા.24 લાખની કિંમતના કોલસાની લૂંટ ચલાવી ભાગી છુટેલા ચારેય શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના ગુલામ એ શબીર ચોકમાં રહેતા યુસુબ અલારખા સાંધાણી નામના ટ્રક ચાલક શ્રીજી શિપીંગ કંપનીમાં નોકરી કરે છે. તે જી.જે.10ટીએકસ. 4523 નંબરના ટ્રકમાં રિલાયન્સ કંપનીમાંથી કોલસો ભરીને જતો હતો. સરમત ગામના પાટીયા પાસે પહોચ્યો ત્યારે કાળા કલરની નંબર પ્લેટ વિનાની હુંડાઇ વર્ના કારના ચાલકે ટ્રકને ઓવરટ્રેક કરી ટ્રક અટકાવી કેમ ટ્રક આ રીતે ચલાવે છે તેમ કહી ચારેય શખ્સો ઢીકાપાટુ મારી ટ્રક લઇ ભાગી ગયા હતા.
યુસુફ સાંધાણીએ કોલસા ભરેલા ટ્રકની લૂંટ થયાની પોતાના સુપરવાઇઝર ધર્મેન્દ્રસિંહ ચૌહાણને જાણ કરતી તેઓેએ બોલેરો લઇને ઘટના સ્થળે આવી પોલીસને જાણ કરી હતી. તે દરમિયાન ટ્રકમાંથી રુા. 24 લાખની કિંમતનો કોલસો અન્ય ટ્રકમાં ખાલી કરી ચારેય શખ્સો ભાગી ગયા હતા અને યુસુફભાઇ સાંધાણીનો જી.જે.10ટીએકસ. 4523 નંબર ટ્રક જય ઠાકર હોટલ પાસે પેટ્રોલ પંપ પાસે પંચર કરેલી હાલતમાં રેઢો મળી આવ્યો હતો. લૂંટના ગુનામાં યશ ઉર્ફે ડાડો ગૌસ્વામી સહિત ચાર શખ્સોની ર્સંંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે ચારેય શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.