- જીજી હોસ્પિટલમાં જ આરોપીઓએ યુવાનને ગુપ્તીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેનાર ઝડપાયા
- આરોપીઓની ધરપકડ બાદ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઈ
જામનગર ન્યૂઝ : જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે માથાકૂટ થયા બાદ જામનગરની જીજી હોસ્પિટલમાં જ આરોપીઓએ યુવાનને ગુપ્તીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. દારૂના ધંધાર્થીઓએ પોલીસમાં બાતમી આપતો હોવાની શંકા ના આધારે હુમલો કર્યો હતો અને આ હુમલામાં યુવાનોનું મોત નીપજ્યું હતું. જીજી હોસ્પિટલમાં જ હત્યાને પગલે પોલીસ સામે અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારબાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આ પ્રકરણમાં સંડોવાયેલા ચારે આરોપીઓને દબોચી લીધા છે અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વિગત અનુસાર થોડા દિવસ અગાઉ જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા (ઉંમર વર્ષ 32) કે જેના ઉપર તેના જ મિત્ર અને દારૂના ધંધાર્થી જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, અને તેના ૩ સાગરીતો ઊર્મિલ ઉર્ફે ઉમો દિનેશભાઈ રાઠોડ, પ્રણવદીપસિંહ ઉર્ફે પાંચો વાઘેલા અને અક્ષય રાજસિંહ પરમારએ હુમલો હતો. દારુની બાતમી આપતો હોવાની શંકા અને ખાર રાખીને ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા ઉપર આરોપીઓ જી જી હોસ્પીટલમાં જ તૂટી પડ્યા હતાં. જેમાં ગુપ્તીનો ઘા જીવલેણ સાબિત થયા ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું. બનાવ હત્યામાં પલટાતા બાદ ચારેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
જે ચારેય આરોપીઓ સામે સીટી બી. ડિવિઝન પોલીસે આઈપીસી કલમ 302 તથા અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, અને તમામ આરોપીઓની ધરપકડ કરી લઈ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
સાગર સંઘાણી