શ્રાવણ માસમાં સાતમ-આઠમના તહેવારોને અનુલક્ષીને લોકોના આરોગ્યને હાની ન પહોંચે તેવી ફરસાણ અને મીઠાઇ બજારમાં મળી રહે તેવા હેતુસર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ચેકીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ફૂડ શાખાએ 9 દુકાનમાંથી રાજગરાનો લોટ, ફરાળી ચેવડો અને બિસ્કીટના નમૂના લઇ પૃથ્થકરણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલ્યા છે. તદ્ઉપરાંત આઇસ ફેકટરી, કોલ્ડ સ્ટોરેજ, ખાણીપીણીની દુકાનોમાં પણ તપાસ હાથ ધરી જરૂરી સૂચના આપી છે. તહેવારો ટાંણે ચેકીંગની કામગીરીથી વેપારીઓમાં દોડધામ સાથે રોષની લાગણી ફેલાઇ છે.
જામ્યુકોની ફૂડ શાખા દ્વારા ગ્રેઇન માર્કેટ, બેડીગેઇટ, દિગ્વિજય પ્લોટ-58, પંચેશ્વર ટાવર, જોલી બંગલા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી 9 દુકાનમાંથી ફરાળી ચેવડો, બિસ્કીટ અને રાજગરાના લોટના નમૂના લઇ પૃથ્થકરણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલાયા છે. હાપા વિસ્તારમાં આવેલી શીતલ આઇસ ફેકટરી, અમી આઇસ ફેકટરી, શિવમ આઇસ ફેકટરી, જેઠવા આઇસ ફેકટરીમાં તપાસ કરી સૂચના આપી હતી.
તદઉપરાંત હાપા અને સુભાષ શાક માર્કેટમાં સત્યમ કોલ્ડ સ્ટોરેજ, એચ.એલ.ફુડ કંપની, અહેમદ ફુડ કંપની, હુશેનભાઇ ઉમરભાઇ લાલા, એસ.એ. પટેલ કેળાવાળા, એસ.પટેલ, બુરહાની ચિકનમાં તપાસ હાથ ધરી જરૂરી સૂચના આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છેકે, ફુડ શાખા દ્વારા સામાન્ય દિવસોના બદલે તહેવારો ટાંણે દુકાનો સહિતના સ્થળો પર ફૂડશાખાની ચેકીંગ કામગીરીથી વેપારીઓમાં દોડધામ સાથે રોષની લાગણી ફેલાઇ છે.
ગ્રેઇન માર્કેટ, લીમડાલાઇન, બેડીગેઇટ, દિ.પ્લોટ, પંચેશ્વર ટાવર વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. જેમાં ભાનુશાળી ટ્રેડર્સમાંથી રાજગરાનો લોટ, રાજલક્ષ્મી બેકરીમાંથી ફરાળી બિસ્કીટ, શ્રીનાથ ટ્રેડર્સમાંથી રાજગરાનો લોટ, દિપક અનાજ ભંડાર માંથી રાજગરાનો લોટ, એમ.એસ. રાજકુમાર એન્ડ કંપનીમાંથી રાજગરાનો લોટ, સોન હલવા હાઉસમાંથી ફરાળી ચેવડો, લક્ષ્મી બેકરીમાંથી ફરાળી બિસ્કીટ, વિજય ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાંથી ફરાળી ચેવડો, શિવમ બેકર્સ એન્ડ કેક શોપમાંથી ફરાળી બિસ્કીટના નમુના લેવામાં આવ્યા હતાં. ફુડ શાખાની કાર્યવાહીને લઇને વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી.