- જામનગરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત વિઠ્ઠલદાસ ધનજીભાઈ બારદાન વાલાની પેઢીમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ
- વહેલી સવારે ઈલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે કોમ્પ્યુટર- ટીવી- એસી સહિત નો માલ સામાન બળી ને ખાખ: ફાયરે આગ બુજાવી
જામનગર ન્યૂઝ : જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત વિઠ્ઠલદાસ ધનજીભાઈ બારદાન વાલા ની પેઢીમાં સવારે ૬.૧૫ વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રીક વાયરીંગમાં સૉર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને એર કેન્ડીશન મશીન, કોમ્પ્યુટર, ટીવી, ફર્નિચર વગેરે સળગી ઊઠ્યા હતા. ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલી સૌથી જૂની અને જાણીતી વેપારી પેઢી વિઠલદાસ ધનજીભાઈ બારદાનવાલાની પેઢીમાં આજે સવારે ૬.૧૫ વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રીક વાયરીંગમાં સૉર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. થોડીવારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, અને ઓફિસની અંદર રાખવામાં આવેલા એર કન્ડિશન મશીન, ટીવી, કોમ્પ્યુટર સેટ, ટેબલ, ખુરશી, લાકડાના કબાટ, વુડનની કેબીનો વગેરે સળગી ઊઠ્યા હતા.આગના ધુમાડા આસપાસના વિસ્તારમાં દેખાયા હોવાથી ત્યાંથી પસાર થનાર વ્યક્તિએ સૌપ્રથમ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને સૌ પ્રથમ વીજ પુરવઠો બંધ કરાવીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ બનાવની જાણ થતાં બારદાન વાલાની પેઢીના સંચાલકો ચંદ્રકાંતભાઈ બારદાનવાલા(કોટેચા), નીરુભાઈ બારદાનવાલા, નિતેશભાઇ કોટેચા વગેરે સ્થળ પર દોડી આવ્યા હતા. આગના કારણે પેઢીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સદભાગ્ય વહેલી સવારે આગની ઘટના બની હોવાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સાગર સંઘાણી