જામનગરમાં મુંગા જીવોની સાર સંભાળ રાખતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેમાં મુંગા જીવો માટે દવા, સારવાર, શેડ, ઘાસચારો, પીવાનું પાણી આમ તમામ પ્રકારની સુવિધા પુરી પાડવામાં આવે છે. ત્યારેન આ સંસ્થાઓના ખર્ચ અને જાળવણી માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ, ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલમાં મુકવામાં આવી છે. આઈ ખેડૂત પોર્ટલ પર દર 3 મહિને આ યોજના માટેના ઓનલાઈન ફોર્મ પણ મુકવામાં આવે છે. યોજના અનુસાર પ્રતિદિન રૂ.30ના લેખે લાભાર્થીઓને ચુકવણી કરવામાં આવે છે.

ત્યારે હાલમાંજ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજના અન્વયે જિલ્લા કક્ષાની સમીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટરએ યોજનાના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતી સંસ્થાઓની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાનમાં રાખતા તેમને સહાય માટે મંજૂરી આપી હતી.

Screenshot 1 19

જે અંગે નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત વર્તમાન વર્ષના પ્રથમ હપ્તા માટે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કુલ 30 સંસ્થાઓની ઓનલાઈન અરજી મળી હતી. જિલ્લા કક્ષાની સમીક્ષા સમિતિ દ્વારા 1000 થી ઓછી દૈનિક પશુઓની સંખ્યા ધરાવતી હોય તેવી કુલ 27 સંસ્થાઓની અરજીઓ મંજૂર કરીને ચુકવણા અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જ્યારે બાકી રહેલી 3 સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી આરજી મંજૂર કરવામાં આવી નહોતી.

આ સાથે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, જિલ્લામાંથી કુલ 27 સંસ્થાઓના 6053 પશુઓ માટે કુલ રૂ.1,65,24,690ની સહાય મંજૂર કરીને ચુકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. હાલમાં સમગ્ર જામનગર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ગામમાં તાલુકા કક્ષાના પશુપાલન અધિકારી ઓ અને પશુ ચિકિત્સા અધિકારીઓ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન મુજબ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો અનેક પશુપાલક લાભાર્થીઓએ લાભ મેળવ્યો છે અને તેમના પશુઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ખરવા મોવાસાનો રોગચાળો રોકવા માટે પશુઓનું રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ તમામ પ્રકારની નિ:શુલ્ક સહાય મેળવવા માટે આપણા જિલ્લાના તમામ પશુપાલકો તેમની નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક સાધી શકે છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.