દિકરીનો ઘરે માંડવો બંધાયો ત્યારે જ પ્રોઢે બાજુના મકાનમાં ગળાફાંસો ખાઇ જીવ ટુંકાવતાં પરિવારમાં કલ્પાંત
જામનગરમાં નવાગામ ઘેડ મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતા એક આધેડે પોતાના મકાનની બાજુમાં જ આવેલા એક બંધ મકાનમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આવતીકાલે પોતાની પુત્રીના લગ્ન યોજાયા છે, અને ઘેર માંડવા બંધાયા છે, ત્યારે લગ્નના આગલા દિવસે જ પિતાએ આપઘાતનું પગલું ભરી લેતાં ભારે અરેરાટી ફેલાઇ છે, અને પરિવારજનો સ્તબ્ધ બની ગયા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
વિગતો મુજબ જામનગરમાં નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા નરોત્તમભાઈ છગનભાઈ રાઠોડ (ઉ.વ.55) કે જેના ઘેર આવતીકાલે તેની 25 વર્ષની પુત્રી મિતલ ના લગ્ન યોજાયા હતા, જે લગ્નના આગલા દિવસે, પોતાના ઘરની સામે જ બંધાઈ રહેલા નવા મકાનના બાંધકામના સ્થળે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. જે બનાવને લઈને ભારે અરેરાટી ફેલાઇ છે. મૃતક નરોત્તમભાઈ કે જેઓની મોટી પુત્રી મિત્તલના લગ્ન સિક્કા ગામે યોજાયા હતા, અને આવતીકાલે સિક્કા થી જાન આવવાની હતી.
નરોતમભાઈ ના અન્ય ત્રણ ભાઈઓ સહિતનો પરિવાર લગ્ન પ્રસંગને લઈને એકત્ર થયો હતો, અને ઘેર માંડવા પણ બંધાઈ ગયા છે. જે દરમિયાન આજે વહેલી સવારે પોતે શાક બકાલું લેવા જાય છે, તેમ કહી ઘરેથી નીકળ્યા પછી સામેના જ મકાનમાં છતના હુકમા દોરડુ બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. મૃતક નરોત્તમભાઈ નો પુત્ર ત્યાંથી પસાર થતાં પિતાના મૃતદેહ ને લટકતો જોઈને અવાચક બની ગયો હતો, અને પરિવારને જાણ કરી હતી. જેથી લગ્ન સમારોહમાં માતમ ફેરવાઈ ગયો હતો,
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ વાઘેલા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કયા સંજોગોમાં તેઓએ આત્મહત્યાનું પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો કોઈ પણ બાબત જાણતા ન હોવાનું જણાવ્યું હતું. તેઓને આર્થિક કોઈ તકલીફ ન હતી, અથવા તો અન્ય કોઈ દબાણ પણ ન હતું, તેમ છતાં ક્યાં સંજોગોમાં લગ્નના આગલા દિવસે જ આ પગલું ભરી લીધું, તે તપાસમાં વિષય બન્યો છે.