એપ્લીકેશન દ્વારા વ્યકિતઓને મેસેજ કરી વાતમાં ભોળવી મળવા બોલાવી ગુનાને અંજામ આપતા
છ શખ્સોને ઝડપી લઈ સાત મોબાઈલ, 40 હજાર રોકડા અને બે વાહન મળી રૂ. 1.67 લાખનો મુદામાલ કબ્જે
સ્માર્ટફોનના યુગમાં જેટલું લોકોનું કામ સરળ બન્યું છે તેટલું જ મુશ્કેલીઓ પણ વધી ગઇ છે. કેટલાક લેભાગુ તત્વો દ્વારા વિવિધ મોડસઓપરેન્ડી બનાવી લૂંટી લેવાનું ષડયંત્ર પણ બનાવી રહ્યાં છે અને ભોળા વ્યક્તિઓ તેનો ભોગ પણ બની રહ્યાં છે. આવી જ એક લેભાગુ ટોળકી જામનગરમાંથી પકડાઇ છે.
જામનગર શહેરમાં મોબાઇલ એપ્લીકેશન દ્વારા અજાણ્યા વ્યકિતઓને મેસેજ કરી વાતમાં ભોળવી મળવા બોલાવી ધમકાવીને માર મારી લૂંટ ચલાવનાર છ શખસોની ગેંગને સીટી-એ પોલીસે વાહનો, 7 મોબાઇલ સાથે પકડી પાડી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ સીટી-એ ડીવી. પોલીસમાં ગુનો નોંધાયો હતો કે, એક વ્યકિતને બ્લુડ લાઇવ એન્ડ મેલ ડેટીંગ નામની મોબાઇલ એપ્લીકેશન દ્વારા અમુક શખસોએ ગુનાહિત કાવતરૂ રચી મેસેજ કરી મળવા બોલાવી આ વ્યકિતને ધમકાવી માર મારી 40,500 રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતાં, આ બનાવની તપાસ સીટી-એ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ગુનામાં ઉપયોગમાં થયેલ મોટરસાયકલ જીજે-10ડીએફ-4350 અને રીક્ષા જીજે-6એવાય-8678 ઠેબા ચોકડી માલધારી હોટલ પાસે પડેલા હોવાની બાતમી પરથી પોલીસ દોડી ગઇ હતી.
દરોડા પાડી લૂંટમાં સંડોવાયેલા આરોપી શકિતસિંહ ઉર્ફે બમ લાલુભા જાડેજા, શાહનવાઝ ઉર્ફે નવાઝ જાવીદભાઇ કોલીયા, દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો રણજીતસિંહ જાડેજા, પિયુષ ઉર્ફે કાલી પ્રફુલ પરમાર, અર્જુન ઉર્ફે લાલો રમેશભાઇ રાઠોડ અને પ્રવિણ ઉર્ફે લાલુ મુકેશ વાઘેલા નામના શખસોને પકડી પાડી તેઓના પાસેથી લૂંટમાં ગયેલા રૂા. 40 રોકડ, ઓટો રીક્ષા, મોટરસાયકલ, 7 મોબાઇલ મળી રૂા. 1,67,800 માલ કબજે કરી તમામ લોકોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.