સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા: ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડાયા
જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 25 વર્ષ કરતા જૂના મકાનો ધરાશાઇ થતા ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. સદ્નસીબે કેટલાક લોકો દુર્ઘટના સમયે બહાર હોવાના કારણે બચી જવા પામ્યા છે. કાટમાળ નીચે દટાયેલ તમામ લોકોને બહાર કાઢી લેવાયાં છે. ઇમારત ધરાશાયી થવાની જાણ થતા જામનગરનાં સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, એસપી, કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સાથોસાથ મ્યુનિસિપલ કમિશનર, એસપી, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ રાહતમાં જોડાયા હતા.
ગ્રાઉન્ડ ફ્લોરના ભાડુઆત દ્વારા 24 કલાક પહેલાંજ નુકસાનીનો વીડિયો બનાવ્યો
ફલેટ ખાલી કરી લીધા હોત તો કદાચ જાનહાની નિવારી શકાત
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં દુર્ઘટના સર્જાઇ હતી, હાઉસિંગ બોર્ડ એમ- 69 નંબરનું બિલ્ડીંગ કે જેનો અડધો હિસ્સો ધરાસાઈ થઈ ગયો હતો, 6 ફ્લેટ કાટમાળમાં ફેરવાઈ ગયા હતા, જે બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં વેપારીએ જગ્યા ભાડે રાખી હતી, ગ્રાઉન્ડ ફ્લોરમાં મકાનનો હિસ્સો ધીરે ધીરે પડી રહ્યો છે, પોતે વિડીયો બનાવ્યો હતો. બપોર સુધીમાં પોતાનો માલ સામાન પણ સહી સલામત રીતે ફેરવી નાખ્યો હતો. ત્યારબાદ સાંજે દુર્ઘટના સર્જાઇ હતી. બિલ્ડીંગમાં બે ત્રણ દિવસથી નીચેનો ભાગ ધીમે ધીમે ધસી રહો અને દીવાલમાં તિરાડો પડવા લાગી હતી, જેનો પોતે વિડિયો બનાવી લીધો હતો, મકાન માલિક અથવા વહીવટી તંત્રને બતાવવા માટેના પ્રયાસો કર્યા હતા.
એટલું જ માત્ર નહીં દુર્ઘટના સર્જાય તેનાથી ત્રણ કલાક પહેલાં જ તેણે ફ્લેટની અંદરથી પોતાનો માલ સામાન બહાર કાઢી લીધો હતો, અને અન્યત્ર ફેરવી લીધો હતો. જેથી કોઈ વ્યક્તિ અંદર હાજર ન હતી, અથવા તો તેનો માલ સામાન પણ બહાર નીકળી ગયો હતો. પરંતુ તેણે બનાવેલો વિડિયો આજે શહેર ભર માં વાયરલ થઈ રહ્યો છે. કોઈને ફલેટ ખાલી કરી લીધા હોત તો કદાચ જાનહાની પણ નિવારી શકાઇ હોત. આગમ ચેતી ના ભાગરૂપે અન્ય ફ્લેટ ધારકો બહાર નીકળી ગયા હોવાથી તેઓનો બચાવ થયો છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગીઓને ચાર લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી
ગોજારી દુર્ઘટના સર્જાઇ હતી, એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા, જયારે અન્ય પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. આ દુખ:દ સમાચારને લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોને ચાર ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય, તેમજ ઈજાગ્રસ્તો ને પચાસ હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓએ બે ઇજાગ્રસ્ત બાળકીઓ, કે જે જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેઓની તબિયત ની પૃચ્છા કરી હતી, તેમજ તેઓને પણ પોતે અંગત રીતે 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
સાંસદ- મેયર- ધારાસભ્ય- કોર્પોરેટરો સહિતના અગ્રણીઓ ખડે પગે
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં સાંજના સમયે બિલ્ડીંગ પડી જવાની દુર્ઘટના સર્જાયા પછી જામનગરના રાજકીય અગ્રણીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કામગીરીમાં પૂરતી મદદ કરી હતી. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, નગરના મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, ઉપરાંત સ્થાનિક વિસ્તારના કોર્પોરેટરો, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, અન્ય આગેવાનો શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલ કગથરા, ભાજપની અન્ય ટીમ વગેરે સ્થળ પર હાજર રહ્યા હતા, અને રેસ્ક્યુ કામગીરી કામગીરીમાં મદદ કરી હતી.
મ્યુનિ. કમિશનર- એસપી-પ્રાંત સહિતના અધિકારીઓ બચાવ રાહતમાં જોડાયા
બિલ્ડિંગ ધારાસાઈ થયા પછી સમગ્ર વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ પરિસ્થિતિને ધ્યાને લઈને કમિશનર ડી.એન. મોદી ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તથા મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ તેમજ એસ્ટેટ શાખાનો સમગ્ર સ્ટાફ પહોંચી ગયો હતો સાથો સાથ ફાયર બ્રિગેડની મોટી ટીમ પણ હાજર રહી હતી. પ્રાંત અધિકારી ડી.ડી.શાહ અને તેમની ટીમ, શહેર વિભાગના મામલતદાર તથા તેમની ટીમ પણ ઘટના પહોંચી ગઈ હતી. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને જામનગરના ત્રણેય પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સમગ્ર સ્ટાફ ઉપરાંત એલસીબી અને એસઓજી શાખાની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી હતી, અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ઉપરાંત વધુ જાન હાની ના થાય તેની સંપૂર્ણપણે તકેદારી રાખી હતી.
આપાતકાલીન સ્થિતિમાં સાંસદ પુનમબેન ખુદ ઉદઘોષક- વ્યવસ્થાપક બન્યાં
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ હતી, અને સમીસાંજે એક બિલ્ડીંગ એકાએક ધરાશાઇ થઈ ગયું હતું, જેમાં આઠથી વધુ લોકો દબાયા હતા અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થયું હતું. જેને ક્ધટ્રોલ કરવા માટે ખુદ સાંસદ પૂનમબેન માડમ માઈક લઈને મદદમાં જોડાયા હતા, અને વ્યવસ્થા વિભાગ સંભાળ્યો હતો. ઉપરાંત લોકોને દૂર ખસી જવા માટેની સૂચના આપીને વિનંતી કરી હતી. ઉપરાંત આસપાસના વિસ્તારના અન્ય બિલ્ડીંગો આવેલા છે, જે બિલ્ડીંગ ની અગાશી પર અથવાતો બાલ્કાની સંખ્યાબંધ લોકો ઉભા રહી ગયા હતા. જે તમામને પણ સાંસદેને આગ્રહ ભરી વિનંતી કરીને નીચે ઉતાર્યા હતા.
રામ રાખે તેને કોણ ચાખે:જે પરિવારના ત્રણ સભ્યો મૃત્યુ પામ્યા તેમના ઘરમાંથી સાત પક્ષી જીવિત મળ્યા
જામનગર ના સાધના કોલોની વિસ્તારમાં એમ.69 નંબરના બિલ્ડીંગનો અડધો હિસ્સો ધરાસાઈ થઈ ગયો હતો, જે દુર્ઘટનામાં એક પરિવારની ત્રણ વ્યક્તિ કાળ નો કોળીયો બની ગઈ હતી, પરંતુ ’રામ રાખે તેને કોણ ચાખે’ એ વાક્ય અહીં ખરું સાબિત થયું છે. સાદીયા પરિવાર કે જે ફ્લેટમાં વસવાટ કરતો હતો, અને ત્રણ વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે, તે પરિવારના ઘરમાંથી પક્ષીના બે પિંજરા સહી સલામત રીતે મળી આવ્યા છે. જેમાં પાંચ બજરીગર અને બે કબૂતર ને રાખવામાં આવ્યા હતા, અને મૃતકોનો પરિવાર તેની સારસંભાળ કરતો હતો. ઉપરોક્ત ધસી પડેલા બિલ્ડીંગ નો કાટમાળ ખસેડતી વખતે ફાયર વિભાગ ની ટીમને તેમાંથી પક્ષીના બે પીંજરા મળી આવ્યા હતા, અને બહાર કાઢ્યા હતા. જેમાં રહેલા તમામ સાત પક્ષીઓ જીવીત અવસ્થામાં મળ્યા હતા. સાધના કોલોની વિસ્તારના પાડોશીઓએ બન્ને પક્ષી સાથેના પિંજરા ને પોતાના ઘરમાં રાખ્યા હતા, અને પક્ષીઓને મોડી સાંજે ખાવા પીવાની વ્યવસ્થાપન કરી હતી, અને તેને જરૂરી ખોરાક આપ્યો હતો.
નબળા બાંધકામ મામલે 31 વર્ષથી કોર્ટ કેસ કર્યો બિલ્ડીંગના બાંધકામ વેળાએ સ્લેબ ધસી પડ્યો હતો
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એમ. 69 નંબરના બિલ્ડીંગ નો એક તરફનો હિસ્સો ધસી પડ્યો હતો, અને ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. જે બિલ્ડીંગ ના નિર્માણ વખતે તે જ બિલ્ડીંગનો સ્લેબ ધસી પડ્યો હતો, અને નબળા બાંધકામ સમયે સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો હતો, ઉપરાંત અનેક વખત આ મામલે રજૂઆતો પણ કરી હતી. પરંતુ એ તરફ કોઈ લક્ષ અપાયું નથી. એટલું જ માત્ર નહીં હાઉસિંગ બોર્ડ દ્વારા આ વિસ્તારમાં કુલ 30 બિલ્ડીંગો બનાવાયા હતા, જેમાં વસવાટ કરતા નાગરિકોએ 1995 ની સાલમાં બે લાખ રૂપિયા ભરીને ફ્લેટ ખરીદી લીધા હતા, પરંતુ તેના કોન્ટ્રાક્ટરો દ્વારા નબળું બાંધકામ થઈ રહ્યું હોવાથી વિરોધ કરાયો હતો. એટલું જ માત્ર નહીં જે બિલ્ડીંગના છત નો ભાગ પડી ગયો હતો, તે વખતે સ્થાનિકોએ આંદોલન કર્યું હતું, અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પરંતુ તેમાં બહુ મોડો મોડો નિર્ણય આવ્યો હતો, અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મુકાયા હતા.
જોકે એકપણ બિલ્ડીંગને ફરીથી રિપેર કરી આપવા અથવા તો તેની મજબૂતાઈ વગેરે માટે કોઈ કાર્યવાહી થઈ ન હતી, અને મામલો આખરે અદાલત સમક્ષ લઈ જવાયો હતો. છેલ્લા 31 વર્ષથી આ મામલે લડત ચાલી રહી છે, અને હજુ કોર્ટ કેસ પેન્ડિંગ છે. તે પહેલાં જ બિલ્ડીંગ નો એક ભાગ ઘસી પડ્યો છે. જેથી અન્ય રહેવાસીઓમાં પણ ભય ફેલાયેલો છે. હાલમાં પણ એમ. 69 બ્લોક ની આસપાસના સાત બિલ્ડીંગ ની અતિ ભયજનક સ્થિતી છે, અને ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિ છે. જેમાં લોકો વસવાટ પણ કરી રહ્યા છે. વહીવટી તંત્રએ આ મામલે ખાસ ધ્યાનમાં લેવું જરૂરી બન્યું છે.