જામનગર માં બની રહેલ ફ્લાયઓવર જામનગર શહેર અને પંથક ઉપરાંત યાત્રાધામ દ્વારકા જતાં લાખો પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે તો આશિર્વાદરૂપ પૂરવાર થશે જ, આ ઉપરાંત રિલાયન્સ, એસ્સાર અને જીએસએફસી જેવાં મહાકાય ઉદ્યોગોનાં કાયમી અને લાખો વાહનચાલકો માટે પણ એક અર્થમાં લોટરી સમાન સાબિત થશે. જામનગર નજીકના દરેડ ખાતે આવેલાં વિવિધ ઉદ્યોગનગરમાં પણ હજારો ઉદ્યોગકારો અને કામદારો આ રોડ પરથી પસાર થઈ ને પહોંચ છે. તેઓ માટે તો આ આખો મામલો લાઇફલાઇન છે.
હાલમાં જામ્યુકો દ્વારા આ ફલાય ઓવરની નિર્માણ કામગીરી માટે જરૂરી એવા સર્વિસ રોડ બનાવવા માટેની કવાયત હાથ ધરી છે. આગામી દિવસોમાં વીજતંત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યોગ્ય રીતે શિફટીંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જો કે નજીકનાં દિવસોમાં જ ચોમાસું શરૂ થનાર હોય હમણાં આ થોડાંક દિવસો પૂરતું જ કરી શકાશે. વરસાદનાં દિવસો શરૂ થાય એ પહેલાં ખરેખર તો યુધ્ધના ધોરણે કામ કરવું જોઈએ. આ કામ ખરેખર તો ગત્ દિવાળીથી ફાસ્ટ રીતે હાથ ધરવાની જરૂર હતી. તો ચોમાસા પૂર્વે ઘણું કામ થઈ શક્યું હોત. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે, રાજના કામો રાજની રીતે થતાં હોય છે !
વડાપ્રધાને ગત્ 10મી ઓક્ટોબરે આ કામનું ખાતમુહૂર્ત કરેલું, હજુ આજની તારીખે માર્ગ અને મકાન વિભાગે આ ફલાય ઓવરબ્રીજની સ્ટ્રકચરલ ડિઝાઇન ફાઈનલ નથી કરી ! પાછલાં સાત આઠ મહિનામાં માત્ર ટેન્ડર પ્રક્રિયા નિપટાવવામાં આવી છે. બીજી બાજુ લાગતાં વળગતા અત્યારથી પોતાના ભાગનું સવા શેર માંસ માંગી રહ્યા છે ! જેને શાલિન અને સંસ્કારી (!) ભાષામાં પ્રસાદ કહેવામાં આવે છે ! ફલાયઓવર સહિતનાં મોટાં કામો એવો વિષય છે જેમાં ક્વોલિટી કંટ્રોલ બહુ અગત્યની બાબત છે. કારણ કે તેમાં કરદાતા નાગરિકોનાં નાણાં ઉપરાંત લોકોની જિંદગીનો પણ સવાલ હોય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે, લાગતાં વળગતા લોકો સવા શેર માંસ અને પ્રસાદ ઉર્ફે કટકી વસૂલતા હોય તેનાં બદલામાં કોન્ટ્રાકટર એજન્સીને ક્વોલિટીમાં બાંધછોડની છૂટ મળી જતી હોય છે ! અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તેનું ઉત્તમ ઉદાહરણ છે ! કટકી પરંપરાને કારણે સંપૂર્ણ પ્રોજેક્ટની પડતર કિંમતમાં કરોડો રૂપિયાનો વધારો થતો હોય છે. નાણાંનો આ વેડફાટ અંતે કરદાતા નાગરિકોની કેડ પર વધારાનો બોજ બનતો હોય છે. આપણે સૌ આશા અને અપેક્ષા રાખીએ કે, લાલપુર બાયપાસ પરનો આ ફલાયઓવર કરદાતા નાગરિકો પર વધારાનો બોજ પૂરવાર ન થાય.