- ચોક્કસ મળતીયાઓને કમાવી દેવા માટે પ્રજાના નાણાં નો વેડફાટ કર્યા નો વિપક્ષી નેતાનો આક્ષેપ
જામનગર મહાનગર પાલિકા દ્વારા રૂ.૭ કરોડના જંગી ખર્ચે ટાઉનહોલ રીપેરીંગ નું ખાનગી પાર્ટી ને કામ અપાયું હતું, જે કામમાં ભ્રષ્ટાચારની સેવાયેલી શંકા આખરે સાચી ઠરતી હોય તેમ મુખ્ય હોલની ડ્રેનેજની લીકેજ થતી પાઈપલાઈનનું પાણી નીચેના એસી સેલર હોલમાં ટપકતું જોવા મળતાં કામમાં ભારે બેદરકારી સામે આવી છે.
ગત ૨૦૨૨ના વર્ષમાં આ ટાઉનહોલ બંધ કરીને તેનું રૂ.૪ કરોડના ખર્ચે રિનોવેશન કરવાની મ્યુ. તંત્રએ જાહેરાત કરી હતી. પરંતુ કામ લંબાતું જ ગયા બાદ ગત જાન્યુઆરી-૨૦૨૫માંટાઉનહોલને ફરી ખુલ્લો મુકાયો હતો, જે વેળાએ ટાઉનહોલનો રીપેરીંગ ખર્ચ રૂ.૪ કરોડમાંથી સીધો ૭ કરોડનો દર્શાવવામાં આવ્યો હતો.
એક નવો ટાઉન હોલ બની જાય તેવા ખર્ચાળ રિનોવેશન સામે જે તે સમયે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવા સાથે સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં હવે તથ્ય હોય તેવું દેખાઈ રહ્યું છે.
હાલમાં મુખ્ય ટાઉનહોલના નીચેના ભાગમાં બનાવવામાં આવેલા એ.સી. સેલર હોલની છતમાં ઉપરના પાણીની લાઈનનું પાણી લીક થતું જોવા મળ્યું છે. અને છતમાં વચ્ચોવચ થી પોપડા પણ ખરી રહ્યા છે, ઉપરાંત ત્યાંથી પાણી પણ લિકેજ થતું જોવા મળી રહ્યું છે.
રૂ.૭ કરોડના ખર્ચ સાથે રીનોવેશન કરાયેલાં ટાઉનહોલની માત્ર બે માસમાં જ આવી સ્થિતિ સર્જાઈ છે. જેથી આવા બેદરકારી ભર્યા કામ બાબતે મ્યુનિ. કમિશનરે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, તેવી માંગ ઉઠી રહી છે.
ચોક્કસ મળતીયાઓના કારણે પ્રજાના નાણાનો વેડફાટ:- વિપક્ષ નેતાના આક્ષેપો
આ અંગે વિપક્ષના નેતા ધવલભાઈ નંદા જણાવે છે કે, અમે જનરલ બોર્ડની બેઠકમાં રિનોવેશન બાદ ટાઉનહોલમાં બહાર અને અંદર વિકલાંગો માટેની વ્યવસ્થા ન હોવાની, લાદીઓ ઉખડી ગયાની અને કામમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત કરી તપાસ માંગી હતી. જે અમારી આશંકા હવે સાચી ઠરતી હોય તેમ લાગે છે. ચોક્કસ મળતીયાઓને કમાવી દેવાના કીમિયાના કારણે પ્રજાના નાણાનો વેડફાટ થઇ રહ્યો છે, જે મામલે જવાબદાર એવી કામ કરનાર પાર્ટી સામે પગલાં લેવા ની પણ માંગ આક્ષેપો સાથે કરવામાં આવી હતી.
અહેવાલ: સાગર સંઘાણી