Jamnagar ના અંધલક્ષી વિવિધ તાલીમ ભવનમાં અભ્યાસ કરતા 80 જેટલા દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એક નવુ જીવન શરૂ થયુ છે. આ આશ્રમમાં સ્થાપિત નવીનતમ ડિજિટલ લાઇબ્રેરીએ તેમના જીવનમાં એક નવી રોશની ફેલાવી છે.
આ ડિજિટલ અભયારણ્યમાં વિદ્યાર્થીઓ માટે ઓડિયો અને વિડિયો સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમજ બ્રેઇલ લિપિને કમ્પ્યુટરાઈઝ કરવામાં આવી છે અને બેંગલોરથી ખાસ લાવવામાં આવેલા સાધનો દ્વારા વિદ્યાર્થીઓ હવે ટેક્નોલોજીનો સરળતાથી ઉપયોગ કરી શકશે. તેમજ આ લાઇબ્રેરીનો મુખ્ય હેતુ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને શિક્ષણના નવા આયામો સુધી પહોંચાડવાનો છે.
વિદ્યાર્થીઓએ બ્રેઇલ લિપિમાં લખેલી વાર્તાઓ સાંભળીને આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત 1 વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “હવે હું મારી મનપસંદ પુસ્તકો કોઈપણ સમયે અને ગમે ત્યાં સાંભળી શકું છું. તેમજ આ લાઇબ્રેરીએ મારા જીવનમાં એક નવી ઉર્જા ભરી દીધી છે.”
આ ડિજિટલ લાઇબ્રેરી માત્ર એક લાઇબ્રેરી જ નથી, પરંતુ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એક નવી દુનિયાના દ્વાર સમાન છે. આ લાઇબ્રેરી દ્વારા તેઓ હવે માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ સંગીત, કલા અને અન્ય ક્ષેત્રોમાં પણ પોતાની કુશળતા વિકસાવી શકશે. આ લાઇબ્રેરી દ્વારા દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં સમાવિષ્ટ કરવામાં મદદ મળશે અને તેઓ સમાજના સક્રિય નાગરિક તરીકે ઉભરી આવશે.આ સાથે આ પ્રકારની પહેલો અન્ય શહેરો માટે પ્રેરણાદાયી છે. અને આશા છે કે આવી ડિજિટલ લાઇબ્રેરીઓ દેશના દરેક ખૂણે સ્થાપિત થશે અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને સમાન તક મળશે.
સાગર સંઘાણી