જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન સહિતના ચાર મહત્ત્વના પદ માટે તા. ૨૧મે ના યોજાનાર ચૂંટણીએ જામનગર જિલ્લાના સહકારી જગત તથા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી દીધી છે.

જામનગર જિલ્લામાં સહકારી ક્ષેત્રે જિલ્લા સહકારી બેંકે જે વર્ચસ્વ જમાવ્યું છે તેના પરિણામે ગ્રામ પંચાયતની ચૂંટણીથી લઈને વિધાનસભા-લોકસભાની ચૂંટણીઓમાં જિલ્લા સહકારી બેંકનું પણ એક અલગ મહત્ત્વ રહેતું આવ્યું છે.

જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણી ક્યારેય રાજકીય પક્ષોના બેનર હેઠળ પક્ષીય ધોરણે લડાતી નથી તેમ છતાં ૨૧ તારીખે યોજાનાર ચૂંટણીમાં કેટલાંક કહેવાતા આગેવાનો તેને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

૨૦૧૫માં બેંકના ડાયરેક્ટરોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારે રસાકસી પછી ૧૪ ડાયરેક્ટરો ચૂંટાયા હતાં. તે સમયે ચેરમેન, વાઈસ ચેરમેન જેવા ઉચ્ચપદની ચૂંટણીમાં મડાગાંઠ સર્જાતા આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટે માર્ગદર્શન જાહેર કરતા ૨૧ તારીખે બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન, મેનેજીંગ ડાયરેક્ટર તથા ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંકના પ્રતિનિધિ નક્કી કરવા માટે ચૂંટણી યોજાઈ રહી છે.

જિલ્લા સહકારી બેંકના આંતરિક વર્તુળોના જણાવ્યા પ્રમાણે ચોક્કસ રાજકીય પક્ષ ચૂંટણીને પક્ષીય રાજકારણનો રંગ આપી સમગ્ર રીતે મામલો ગુંચવાઈ જાય તેવી સ્થિતિ સર્જવા કવાયત કરે છે. જ્યારે બીજી તરફ બેંકના ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા માટે સંભવીત ઉમેદવાર અને તેમના જુથ દ્વારા પણ ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચર્ચાઈ રહેલી વિગતો પ્રમાણે એક વગદાર જુથ કેટલાક ડાયરેક્ટરો સાથે સહેલગાહે ઉપડી ગયું છે. જેથી હરીફ જુથમાં સોપો પડી ગયો છે.

જિલ્લા સહકારી બેંકની હાલની સ્થિતિમાં જીવણભાઈ કુંભરવડીયા, પી.એસ. જાડેજા, મુળુભાઈ બેરા, રાઘવજી પટેલ, મેરગ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, અશોક લાલ, લુણાભા સુંભણીયા, દિલીપભાઈ નથવાણી, પ્રવિણસિંહ જાડેજા, જનરલ વિભાગમાંથી જીતુભાઈ લાલ, જીતુ નથવાણી, ખરીદ વેચાણ સંઘમાંથી બળદેવસિંહ જાડેજા અને વ્યક્તિગત બેઠક પર ઈલેશભાઈ પટેલ ડાયરેક્ટર તરીકે ચૂંટાયેલ છે અને તેમાંથી નવ જેટલા ડાયરેક્ટરો છેલ્લા બે દિવસથી સંપર્ક વિહોણા થઈ ગયા હોવાની ચર્ચા જાગી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.