માત્ર બે જ કર્મચારી હોવાથી બેરોજગારોના કોઇ કામ સમયસર થતા નથી
જામનગર જિલ્લા રોજગાર કચેરીમાં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી વર્ગ-૧ અધિકારીની જગ્યા ખાલી હોવાથી બેરોજગારોને રોજગારીના કામકાજમાં ભારે મુશ્કેલી પડતી હોવા અંગે જામનગરના વિજય ભાંભીએ રાજ્યના શ્રમ-રોજગાર મંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જે સંદર્ભમાં શ્રમ-રોજગાર મંત્રીએ સત્વરે નિયુક્તિ કરવાનો આદેશ આપ્યો છે.
જામનગર જિલ્લા રોજગાર કચેરીમાં સ્ટાફની અછત છે તેમાં વર્ગ-૧ના અધિકારી ઉપરાંત અન્ય સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં નથી. વર્ગ-૩ના કર્મચારીને વર્ગ-૧ના અધિકારીનો ચાર્જ સોંપીને છેલ્લા પાંચ વર્ષથી કામ ચાલે છે અને તે નિયમિત હાજર રહેતા નથી. આ કચેરીમાં હાલ માત્ર બે કર્મચારીનો જ સ્ટાફ છે. પરિણામે બેરોજગારોના કોઈ કામ સમયસર થતા નથી.
કોઈ માહિતી બોર્ડ પર મુકાતી નથી કે માહિતી આપવામાં આવતી નથી. લાંબા સમયથી નોંધાયેલા બેરોજગારોને ઈન્ટરવ્યૂ મળતા નથી.આ તમામ રજૂઆતોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના મંત્રીએ સત્વરે નિયુક્તિ કરવાનો આદેશ આપ્યો છે.જો કે નવાઈની વાત એ છે કે ભાંભીએ તા.૧૬-૫-૧૮ના કરેલી રજૂઆત પછી શ્રમ-રોજગાર મંત્રીએ ૧૧-૯-૧૮ના પત્રથી આદેશ આપી દીધો છે અને આદેશને પણ બે મહિના જેવો સમય વિતી ગયો છે. છતાં નિમણૂક કરવામાં આવી નથી.