-
રહેવા લાયક ન હોવાની હાઉસીંગ બોર્ડ દ્વારા નોટિસ આપવા છતા પરિવારો રહેતા હતા
-
ફાયર બ્રિગેડના સ્ટાફે ત્વરીત કરેલા રેસ્કયુ ઓપરેશનથી પાંચનો બચાવ
-
મહાપાલિકા, કલેકટર અને પોલીસ તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરીમાં ખડે પગે રહ્યા
-
બનાવના 24 કલાક પૂર્વે અમુક ભાગ પડયો હતો: ગુજરાત હાઉસીંગ બોર્ડની ટીમ દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ રિપોર્ટ સોંપશે
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા એમ 59 નંબરના બિલ્ડીંગ નો ત્રણ માળનો અડધો હિસ્સો એકાએક ધરાશાઇ થઈ ગયો હતો, અને ભારે અફડા તફડી સર્જાઇ હતી. જે બિલ્ડીંગના કાટમાળ માં ફસાયેલી તમામ આઠ વ્યક્તિઓને બહાર કાઢવા માટે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને તમામને બહાર કાઢી જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જે પૈકી એક જ પરિવારના ત્રણ વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ નીપજયા છે, જ્યારે બાકીના અન્ય પાંચ સારવાર હેઠળ છે.
આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી, અને મહાનગરપાલિકા નું તંત્ર, પોલીસ વિભાગ, રાજકીય આગેવાનો સહિતનો તમામ કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો.
આ ગોઝારી દુર્ઘટનાની વિગતો એવી છે કે જામનગરમાં સાધના કોલોની બ્લોક નંબર એમ. 59 નામનું બિલ્ડીંગ કે જેમાં વચ્ચેના ભાગમાં સીડી અને બંને તરફ ત્રણ માળના છ છ મળી કુલ 12 ફલેટ આવેલા છે, જે પૈકીનો એક વિભાગનો છ ફ્લેટ સાથેનો હિસ્સો સાંજે છ વાગ્યાના સમયે ધસી પડ્યો હતો, અને કાટમાળમાં ફેરવાયો હતો. જે દુર્ઘટનાની જાણ થતા ભારે દોડધામ થઈ ગઈ હતી.
સૌપ્રથમ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ, એસ્ટેટ શાખાની ટુકડી, 108 ની ટીમ તેમજ પોલીસ વિભાગ વગેરે દોડતો થયો હતો, અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત જામનગર શહેર જિલ્લાના તમામ રાજકીય અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને ચાર જેસીબી મંગાવી તાત્કાલિક ધોરણે કાટમાળને ખસેડવાની અને અંદર ફસાયેલી વ્યક્તિઓને બચાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવાયો હતો.
પ્રથમ 10 મિનિટના સમયગાળા દરમિયાન ચાર વ્યક્તિને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવાયા હતા, જેઓને 108 નંબર ની ટીમે સ્થળ પર પ્રાથમિક સારવાર આપી હતી, અને જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યારબાદ અન્ય ચાર વ્યક્તિઓ કાટમાળમાં ફસાયેલી હોવાથી અને તે વ્યક્તિઓ દ્વારા મદદ માટે ની બુમાબુમ કરાતી હોવાથી સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કુનેહતા પૂર્વક કાટમાળ ખસેડવાની કામગીરી હાથ કરી હતી, અને એક પછી એક કરીને અન્ય ચાર વ્યક્તિને પણ રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવી હતી. જેઓને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા પછી તમામને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે તેમના પરિવારની અન્ય 1 વ્યક્તિ સહિત હજુ પાંચ વ્યક્તિ સારવાર હેઠળ છે.
કાટમાળ હેઠળ એક જ પરિવારના ચાર વ્યક્તિ દબાયા હતા જેમાં મિતલબેન જયપાલ ભાઈ સાદીયા (35 વર્ષ) તેના પતિ જયપાલ ભાઈ રાજુભાઈ સાદીયા (36) તેમજ તેમના પુત્ર શિવરાજ જયરાજભાઈ સાદીયા (ઉંમર વર્ષ ચાર) કે જે ત્રણેયના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે તેના પરિવારના અન્ય 1 વ્યક્તિ હિતાંશી જયપાલભાઈ સાદીયા (ચાર વર્ષ) નો બચાવ થયો છે, અને હાલ સારવાર હેઠળ છે.
આ ઉપરાંત અન્ય ફ્લેટમાં રહેતા કંચનબેન મનસુખભાઈ જોઈસર (ઉંમર વર્ષ70) તેમજ પારૂલબેન અમિતભાઈ જોઈસર (ઉંમર વર્ષ 40) કે જે બંનેને પણ સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા અને તેઓ ને પ્રાથમિક સારવાર અપાઇ છે આ ઉપરાંત દેવીબેન નામના પચાસ વર્ષ ના મહિલા પણ બહાર નીકળી ગયા છે, અને તેમને પણ સારવાર અપાઇ છે. વહીવટી તંત્ર દ્વારા સાડા નવ વાગ્યા સુધી ઓપરેશન ચાલુ રખાયું હતું. સમગ્ર બિલ્ડીંગ નો કાટ માળ ખસેડી લીધા પછી આખરે રેસ્ક્યુ કામગીરી બંધ કરવાની કમિશનર ડી.એન. મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.