- જામનગરમાં મયુર ટાઉનશીપમાં રૂ.5 કરોડની કિંમતની કોમન પ્લોટની જમીનમાં દબાણ કરનાર ધર્મેશ રાણપરીયાની ધરપકડ કરાઇ
- પોલીસની સ્થળ પર તપાસ દરમિયાન સરકારી જગ્યામાં કમ્પાઉન્ડ વોલ બાંધી અંદર ઓફિસ અને બે શેડ ઉભા કરી લીધાનું ધ્યાનમાં આવ્યું
- બાજુમાં આવેલ પોતાના મકાનમાંથી ગેરકાયદે વીજ લાઈનનો દુરુપયોગ કર્યો: અસંખ્ય સીસીટીવી કેમેરાઓ પણ લગાવ્યા
Jamnagar News : જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી સ્થિત કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરીને ઓફીસ, ટોયલેટ -બાથરૂમ, શેડ સહિતનું બાંધકામ કરી લઇને પાંચ કરોડથી વધુ કિંમતની જમીન પચાવી પાડવા અંગે જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા અને લંડનમાં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલના ભાઈ ધર્મેશ મુળજી રાણપરીયા સામે વધુ એક લેન્ડ ગ્રેબીંગ અંગેની ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જે કેસમાં ગઈકાલે રાત્રે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે .
આ પ્રકરણમાં ઉપરોક્ત સોસાયટીમાં જ રહેતા જગદીશ રમેશભાઈ રામોલિયા દ્વારા જામનગર જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવી હતી અને લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ મામલો પહોંચ્યા પછી સમિતિએ કરેલી તપાસનાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ હતી. જેના પગલે ગઈકાલે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ધર્મેશ મુળજી રાણપરીયા સામે વિધિવત ગુન્હો દાખલ કરાયા પછી તેની ધરપકડ કરાઈ છે.
જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પણ થોડા સમય પહેલાં તેની સામે ધાકધમકી આપી એક કારખાનેદારની મશીનરી વેચી નાખવા સહિતનો ગુનો દાખલ કરાયો હતો. જે કેસમાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી, અને ત્યાંથી જામીન પર મુક્ત થયા પછી સીટી એ. ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી છે. અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રકરણમાં સીટી ડીવાયએસપી જે.એન. ઝાલા દ્વારા સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે, અને તેઓની સમગ્ર દેખરેખ હેઠળ આગળની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને પોલીસની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી. જે દરમિયાન સોસાયટીની કોમન પ્લોટની જગ્યા કે જેના ઉપર ધર્મેશ રાણપરીયા એ દબાણ કરી લીધું હતું. પોતાનું મકાન બાજુમાં જ આવેલું હોવાથી તેને અડીને કોમન પ્લોટની જગ્યામાં ફરતે સાત ફૂટ ઊંચી દીવાલ બનાવી લીધી હતી, અને એલ આકારનો કોમન પ્લોટ હોવાથી તેમાં બંને સ્થળે દરવાજા અને બારી મૂકી દીધા હતા. અને પોતાના તાળા મારીને તેમાંથી પ્રવેશ મેળવવાનો રસ્તો બનાવ્યો હતો. ત્યારબાદ અંદર બે મોટા શેડ ઉભા કરી લેવામાં આવ્યા હતા. જે શેડમાં પોતે અલગ અલગ સામાન રાખી રહ્યા છે. જ્યારે અંદર એક ઓફિસ ટાઈપનો બેઠક રૂમ બનાવ્યો હતો. જેમાં વૈભવી સુવિધાઓ રાખવામાં આવી છે. જેની અંદર ટીવી ફ્રીજ એસી સહિતના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ લગાવાયેલા છે. સાથો સાથ અત્યાધુનિક ટોયલેટ બાથરૂમ પણ બનાવી દેવાયા છે.
જ્યારે આસપાસના વિસ્તારમાં આવનારા લોકોની તમામ જાણકારી મળી રહે તે માટે એકી સાથે આઠથી દસ સીસીટીવી કેમેરાઓ પણ લગાડેલા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ કોમન પ્લોટમાં દબાણ કર્યા પછી પોતાના જ ઘરમાંથી ગેરકાયદે રીતે વીજ પુરવઠો પણ મેળવી લીધો છે, અને તેના દ્વારા તમામ ઇલેક્ટ્રીક ઉપકરણ ચલાવવામાં આવી રહ્યા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. જે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલ : સાગર સંઘાણી