રાજકોટની 84 વર્ષ જૂની ધર્મેન્દ્રસિંહજી કોલેજને હેરીટેજનો દરજ્જો આપવાની સરકારે જાહેરાત કરી છે ત્યારે જામનગરની રાજાશાહી યુગમાં બનેલી 145 વર્ષ જૂની આ શાળાને પણ હેરીટેજ જાહેર કરી તેનું રિસ્ટોરેશન કરાય તેવી શહેરીજનોની લાગણી:ખંભાળિયા ગેઇટ-ભૂજિયા કોઠાની માફક ભવ્ય ભૂતકાળને બચાવવો જરૂરી
145 વર્ષ પહેલાં રજવાડા દ્વારા બનાવાયેલી નવાનગર હાઇસ્કૂલ 2001ના ધરતીકંપને કારણે ખખડધજ થઇ ગઇ હતી. આથી લોકોની સલામતી માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓની સુવિધા માટે આ નવાનગર હાઇસ્કૂલના પરિસરમાં જ નવી ઇમારત 2004માં બનાવવામાં આવી છે. પ્રથમ હરોળની તસ્વીર ઉપરાંત બીજી હરોળની પ્રથમ બે તસ્વીર જૂની ઇમારતની દૂર્દશાની ચાડી ખાય છે. જ્યારે બીજી હરોળની અંતિમ તસ્વીર નવા શૈક્ષણિક સંકુલની છે.
રાજકોટની 84 વર્ષ જૂની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજને રાજ્ય સરકાર દ્વારા હેરીટેજનો દરજ્જો આપવાની જાહેરાત કરાઇ છે. જે બેશક આવકારદાયક બાબત છે પરંતુ જામનગરમાં સવાસો વર્ષથી પણ વધુ સમયનો ભવ્ય ભૂતકાળ ધરાવતી નવાનગર હાઇસ્કૂલના જૂના બિલ્ડીંગની ખંઢેર હાલત છે. આ સ્કૂલ વિસરાતી વિરાસત ન બને તે માટે તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસો હાથ ધરી શાળાને રક્ષિત ઇમારત જાહેર કરી શાળાનો ઇતિહાસ કાયમી લોકોને યાદ રહે તેવા પ્રોજેક્ટ હાથ ધરવા શહેરીજનોમાં માંગ ઉઠી છે.
ઇતિહાસ તરફ દ્રષ્ટિપાત કરીએ તો નવાનગર હાઇસ્કૂલનો પાયો નંખાયા બાદ ઇ.સ.1876માં શાળા બની ગઇ હતી. ત્યારથી માંડી અત્યાર સુધીમાં આ શાળામાં જામનગરના અનેક શ્રેષ્ઠીઓએ અભ્યાસ કરી જુદા-જુદા ક્ષેત્રોમાં રહી પોતાના પદ દિપાવ્યા છે. હાલ શાળામાં 160 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. ઇ.સ.2001ની સાલમાં આવેલ ભૂકંપને લીધે શાળાનું મકાન ક્ષતિગ્રસ્ત થયું હતું જેથી વડાપ્રધાન રાષ્ટ્રીય કોષમાંથી આ શાળામાં નવું બિલ્ડીંગ બનાવવા નિર્ણય લેવાયો હતો.
કામગીરીના ધમધમાટ બાદ 2004માં શાળા નવું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાની સ્થાપના બાદ 145 વર્ષના વ્હાણા વીતિ જતા હાલ શાળાની જૂની બિલ્ડીંગની હાલત ખંઢેર છે. મરામતના અભાવે શાળાનું જૂનું બિલ્ડીંગ પડવા વાંકે ઉભું હોય તેવો ઘાટ સર્જાયો છે. ખરાબ હાલતમાં ઉભેલી આ શાળાના મરામત અંગે તસ્દી ન લેવાતા ભવ્ય ભૂતકાળ ધરાવતી શાળા વિસરાતી વિરાસત હોય તેવું લાગી રહ્યું છે.
તંત્ર દ્વારા નૈતિકતા દાખવી શાળાનું જતન અને સંભાળ રાખવામાં આવે તો ઐતિહાસિક સ્થળ તરીકે વિકાસ પામી શકે છે.વધુમાં આ સ્કૂલને રક્ષિત ઇમારત જાહેર કરી રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવે ઉપરાંત મ્યુઝિયમ સહિતના પ્રોજેક્ટો હાથ ધરવામાં આવે તો આવતી પેઢીમાં આ સ્કૂલ દરરોજની માટે માનસપટલ પર છવાયેલ રહે તેમ છે. આથી આ અંગે તંત્ર અને રાજ્ય સરકારે સહાયારા પ્રયાસો હાથ ધરી પ્રોજેક્ટ અમલમાં મુકવા જોઇએ તેવી લોકોએ માંગ ઉઠાવી છે.
ઇતિહાસને જીવંત રાખવા જૂની ઇમારતોનું રિસ્ટોરેશન જરૂરી
ખંભાળિયા ગેઇટ, ભૂજિયો કોઠો જેવી રક્ષિત ઇમારતને તેના ઇતિહાસને જીવંત રાખવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારે ફાળવી હતી. આથી ખંભાળિયા ગેઇટનું જૂની ડિઝાઇન પ્રમાણે રિસ્ટોરેશન કરાયું છે તેમજ ભૂજિયા કોઠાનું કામ ગોકળગાયની ગતિએ ચાલે છે પરંતુ ચાલુ થયું હોવાથી પૂરું જરૂર થશે તે નિશ્ર્ચિત છે. આ જ પ્રમાણે સૌથી જૂની માધ્યમિક શાળા ગણાતી નવાનગર હાઇસ્કૂલની ખંઢેર જેવી બનેલી જૂની ઇમારતને રક્ષિત ઇમારત જાહેર કરી તેનું પણ રિસ્ટોરેશન કરી આ શાળાના ભવ્ય ભૂતકાળને કાયમી યાદગીરી બની રહે તેવું આયોજન કરવામાં આવે તેવી લાગણી શહેરીજનોમાં જોવા મળે છે.