ઓક્સિજનની સપ્લાય કામગીરી ભારે કપરી સાબિત થઈ રહી છે
જામનગરમાં સ્થિત સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જી.જી.માં ઓક્સિજન સપ્લાય માટે તંત્ર અને હોસ્પિટલના વહીવટી તંત્રને દિવસ-રાત એક કરવો પડે છે. દરરોજ કટોકટી સર્જાય તેવી સ્થિતિ વચ્ચે પણ 52 ટન ઓક્સિજનની સપ્લાય પૂરી પાડવામાં આવી રહી છે જે હાલના સંજોગોમાં ભારે કપરી કામગીરી સાબિત થઈ રહી છે.જામનગરની જી.જી. હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ કોરોનાની સારવાર માટે ઉમટી પડ્યા છે ત્યારે પ્રથમ વખત એવું બન્યું છે કે, જામનગરની જી.જી. હોસ્પિટલ ફુલ થઈ ગઈ છે અને દર્દીઓ વેઈટિંગમાં છે.
આવા સંજોગોમાં કોરોનાની સારવાર માટે જે અત્યંત જરૂરી છે તે ઓક્સિજન પૂરું પાડવું હોસ્પિટલ માટે રોજ યુદ્ધ સમાન બની રહ્યું છે. હજુ મહિના દિવસ પહેલા જે ઓક્સિજનની જરૂરિયાત જી.જી. હોસ્પિટલમાં 3 હજાર લીટરની હતી તે હવે 52 હજાર લીટરે પહોંચી ગઈ છે. જેને દરરોજ પૂરું કરતા તંત્રને પરસેવો વળી જાય છે.
હાલ કલેક્ટર તંત્ર અને હોસ્પિટલ તંત્ર દ્વારા સતત ઓક્સિજનની માંગ અને જરૂરિયાતને ધ્યાને રાખી ઓક્સિજનનો જથ્થો મંગાવવામાં આવે છે, પરંતુ તે જો સમયસર ન આવે તો તમામના શ્વાસ અદ્ધર થઈ જાય છે. હાલ કટોકટીના સમયમાં ઓક્સિજન મળી રહે છે પરંતુ દરરોજ મળી રહે છે તે મોટી વાત છે. હવે ઓક્સિજનની વધુ જરૂરિયાત થાય તેવી કોઈ શક્યતા નહીંવત હોવા છતાં પણ તંત્ર ઓક્સિજનની માંગને પહોંચી વળવા પોતાનું તમામ જોર લગાડી રહ્યું છે. જામનગરની જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને ગત તા.13-4ના રોજ ડેપ્યુટી કલેક્ટર અને ઓએસડી વિકાસકુમાર ઉપાધ્યાયે એક કાગળ લખી હોસ્પિટલમાં કોઈપણ ઓક્સિજન વેસ્ટ ન થાય તે ધ્યાન રાખવા ખાસ તાકીદ કરી હોસ્પિટલ સહિતના સત્તાવાળાઓને ઓક્સિજનનો બગાડ રોકવા ચેતવણી આપી હતી.
જિલ્લામાં કોરોનાના 748 નવા કેસ, 137 દર્દીઓના મૃત્યુ
જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને છેલ્લા એક સપ્તાહ થી કોરોનાનુ ભયાનકરૂપ જોવા મળ્યા પછી આજે કોરોનાની વધુ ભયજનક સ્થિતી જોવા મળી રહી છે. અને કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંકડો આજે 137ને વટાવી ગયો હોવાથી ભારે હાહાકાર મચી ગયો છે. એટલું જ માત્ર નહીં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે 750ના આંક નજીક પહોંચી ગયો છે. શહેરના 396 પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો 350ને પાર પહોંચ્યો છે. અને 352 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે અને લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જોકે શહેરના 359 અને ગ્રામ્યના 259 સહિત 618 દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.જામનગર જિલ્લામાં કોરોનાના મૃત્યુના મામલે ભયાનક સ્થિતિ છે. કોરોનાની સારવાર દરમિયાન દર 10 મિનિટે 1 વ્યક્તિ કોરોનાની સારવાર માં ટપોટપ મૃત્યુ પામી રહયા છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે અને સમગ્ર જિલ્લાભરમાં સાડા પાંચ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજથી આજે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં 137 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુનો આંક 2,791નો થયો છે.