જામનગર સમાચાર
જામનગરની સાઇબર ક્રાઈમ સેલની ટીમને તાડપત્રીઓ વેચવાના નામે લોકોને વિશ્વાસમાં લઈ ડિસ્ટ્રીક એજન્સી આપવાની લાલચે ફ્રોડ કરતી ગેંગના પાંચ મહિલા સહિતના 11 સભ્યોને જૂનાગઢમાંથી પકડી લેવામાં મહત્વની સફળતા સાંપડી છે, અને તેઓ પાસેથી 32 નંગ મોબાઈલ, લેપટોપ, તથા અન્ય થોક બંધ સાહિત્ય કબજે કર્યું છે. તેઓ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જામનગરની સાયબર ક્રાઈમ સેલ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે સોશિયલ મીડિયા ના માધ્યમથી તાડપત્રીઓ વેચવાના નામે વિશ્વાસમાં લઈ જિલ્લાની એજન્સી આપવાની અનેક લોકોને લાલચ આપી નાઈજેરિયર ફ્રોડ પદ્ધતિથી ચીટીંગ કરવામાં આવી રહ્યું છે, અને આ બાબતનું કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે, તે બાબતની માહિતી ના આધારે તપાસનો દર જુનાગઢ સુધી લંબાવ્યો હતો.
જામનગરના બે ખેડૂત ભાઈઓ આ ટોળકીનો શિકાર બન્યા હોવાની સાઇબર ક્રાઇમની સેલ ને ફરિયાદ મળ્યા પછી સાઇબર ક્રાઇમ સેલ ની ટીમે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમને સાથે રાખીને જૂનાગઢમાં ધામા નાખ્યા હતા, અને બે દિવસ ની રઝળપાટ બાદ જુનાગઢ માંથી પાંચ મહિલાઓ સહિતના 11 આરોપીઓને અટકાયતમાં લઈ લીધા હતા.
તાલપત્રી વેચવાના નામે વિશ્વાસ મા લઇ લોકો પાસેથી ઓન લાઇન ના માધ્યમથી પૈસા પડાવી રહેલા જુનાગઢના પરેશ વિનુભાઈ વેલાણી, દર્શન દીપકભાઈ ભટ્ટ, કેવિન ભરતભાઈ દોશી, નિતેશ નટુભાઈ ભેડા, ઈમ્તિયાઝ અનવર ભાઈ જખરાણી, રામભાઈ મેરૂભાઈ વાઢેર, ઉપરાંત શીતલબેન, પૂજાબેન, શ્રદ્ધાબેન મનીષાબેન અને પુનીતાબેન નામની મહિલાઓ સહિત 11 આરોપીઓ ને સકંજામાં લઈ લીધા હતા, અને તેઓને જામનગર લાવવામાં આવ્યા છે.તેઓ પાસેથી 32 નંગ જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન, અને બાર નંગ ચાર્જર, એક લેપટોપ, એક પ્રિન્ટર, ઉપરાંત ફ્રોડ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું સાહિત્ય જે પૈકીના 25 ચોપડા, ત્રણ રજીસ્ટર, ત્રણ ડેટાબેઝ ફાઈલ, ત્રણ સ્ટેમ્પ, તથા ઓફિસ સપ્લાય ને લાગતું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે.
પ્રાથમિક પૂછપરછમાં ઉપરોક્ત આરોપીઓએ જામનગરના બે ખેડૂત ભાઈઓ સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી પોતાની ઓળખ સેવન સ્ટાર કંપનીના મેનેજર તરીકેની આપી હતી, અને ખેડૂત તેમજ અન્ય કેટલાક લોકોનો વિશ્વાસ કેળવવા સૌ પ્રથમ તેઓએ ઓર્ડરથી મંગાવ્યા મુજબની તાડપત્રીઓ મોકલી આપી હતી. જેના રૂપિયા રોકડથી લઈ તથા તાલપત્રી બનાવનારના બનાવટી બિલો સાચા તરીકે મોકલી આપી ફરીયાદી ખેડૂત બંધુઓ તેમજ અન્ય લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ સેવન સ્ટાર કંપનીના રાસાયણિક દવાની એજન્સી આપવાના બહાને પણ કેટલાક લોકોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી નાણા ટ્રાન્સફર કરાવી લીધા હતા, અને છેતરપીંડી આચરી હતી.
જે બાબતે જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં તમામ 11 આરોપીઓ સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેમાં તમામની અટકાયત કરી લેવામાં આવી છે.જેઓની તપાસમાં આરોપીઓના લોકેશન જુનાગઢ ખાતેના મળ્યા હોવાથી તેઓનું લોકેશન તપાસી અન્ય પોલીસ ની મદદ મેળવીને બે દિવસની રજળપાટ બાદ તમામને પકડી લેવાયા હતા. તેઓને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથો ધરવામાં આવી રહી છે.