ભૂગર્ભ ગટરના કામમાં થતી બેદરકારીથી પાણી સમસ્યા સર્જાય છે, દૂષિત પાણી મળે છે
પંદર દિવસથી દૂષિત પાણી મળતા મહિલાઓ નવા ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરના ઘરે ધસી ગઇ
શહેરના ગોકુલનગરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની મોકાણ શરૂ થઈ છે. પાણી પ્રશ્ર્નથી કંટાળેલી મહિલાઓએ મહિલા કોર્પોરેટરના ઘરે જઈ ઘેરાવ કર્યો હતો. શહેરના વોર્ડ નં.8માં આવતા ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી દુષિત પિવાના પાણીની તકલીફ હોવાથી ત્રાસેલા લોકોએ આ વોર્ડના નવનિર્વાચિત મહિલા કોર્પોરેટરના ઘરને ઘેરાવ કરી રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત મંથર ગતિએ ચાલતા ભૂગર્ભ ગટરના કામ અંગે પણ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન સાથે ચેડા થતાં તેમાં ગટરના પાણી ભળી જતાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે.ગઇકાલે વોર્ડ નં.12, વોર્ડ નં.6ના વિપક્ષી કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં લોકોને પાઇપલાઇન વાટે મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી ઘણું દુષિત હોવાની પુરાવા સહિતની ફરિયાદો કમિશનર સમક્ષ કરી હતી. દુષિત પાણીના સેમ્પલો પણ રજૂ કર્યા હતાં. આથી કમિશનર સતિષ પટેલ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયાએ આ દુષિત પાણીના નમુના લેબોરેટરીમાં મોકલી દીધા હોવાનું જણાવ્યું હતું. આ પહેલાં પ્રથમ સામાન્ય સભામાં જ વોર્ડ નં.4ના વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ નવાગામ ઘેડ વિસ્તારમાં દુષિત પાણી મળતું હોવાની ફરિયાદ કરી હતી.આવી ફરિયાદોનો સીલસીલો હજુ ચાલુ છે અને તેમાં હવે લોકો પણ ફરિયાદ કરવા જાહેરમાં આવી રહ્યાં છે. વોર્ડ નં.8ના ગોકુલનગર વિસ્તારના રહેવાસીઓએ 15 દિવસથી મળતા દુષિત પાણીના મુદ્દે તેમજ ભૂગર્ભ ગટરની સાવ ધીમી ગતિએ ચાલતી કામગીરીથી લોકોને પડતી હાડમારી મામલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકોએ આ વોર્ડના મહિલા કોર્પોરેટર સોનલબેન યોગેશભાઇ કણઝારિયાના ઘરે જઇ ઘેરાવ-સુત્રોચ્ચાર કર્યા હતાં અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી હતી. લોકોના કહેવા મુજબ ભૂગર્ભ ગટરની કામગીરી માટે રસ્તાના ખોદકામમાં કોન્ટ્રાકટરો દ્વારા બેદરકારી દાખવાય છે અને પાણીની લાઇન તુટી જતાં તેમાં ગટરના પાણી ભળી જાય છે. આ મામલે તંત્રે સતત મોનીટરીંગ કરી જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે.
નગરજનોને પીવાનું શુઘ્ધ પાણી આપવું અમારૂ લક્ષ્ય: શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયાની ખાતરી
મહાપાલિકાના શાસક જુથના નેતા કુસુમબેન પંડયાએ કાર્યભાર સંભાળતા કહ્યું હતું કે શહેરીજનોને પીવાનું શુઘ્ધ પાણી આપવાનું અમારૂ લક્ષ્ય છે. મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા તરીકે નવનિયુકત થયેલા પ્રથમ મહિલા નેતા કુસુમબેન પંડયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના પ્રાથમિક આવશ્યક સેવાઓ જેવી કે પાણી, લાઇટ, સફાઇ જેવા કાર્યને પ્રાદ્યનય આપી નિયમિત્ત રીતે મહાનગરપાલિકામાં હાજરી સાથે લોકોના પ્રશ્ર્નને સાંભળીને ઉકેલ માટે તત્પર રહીશ.મહાનગરપાલિકાના શાસક જૂથમા મહિલાના નેતા તરીકે પદભાર સંભાળતા કુસુમબેન પંડયાએ જણાવ્યુ હતું કે, મહાનગરપાલિકાના પાંચેય પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરોને સાથે રાખી વિકાસના કાર્યોને વેગ આપીશ. એક મહિલા તરીકે મારૂ પહેલુ કાર્ય શહેરીજનોને નિયમિત શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે લક્ષ્યાંક છે. મને જયારે ભારતીય જનતા પક્ષ દ્વારા મારામાં વિશ્ર્વાસ મુકી જે પદભાર શાસક જૂથના નેતા તરીકેની જવાબદારી મહાનગરપાલિકામાં સોંપેલ છે. તેને હું એળે નહી જવા દઉ. મહાનગર પાલિકામાં દૈનિક સવારે સાડા અગ્યિાર વાગ્યાથી તેમજ સાંજે સાડા પાંચ વાગ્યાથી શાસક જૂથના નેતાની ઓફિસમાં લોકોને નિયમિત મળીશ. મહાનગરપાલિકાને લગતા શહેરીજનોના કોઇ પણ પ્રશ્ર્નો હશે તો તે રજૂ કરી શકે છે.
સસોઈ ડેમનું પાણી દૂષિત થતા વિપક્ષી સભ્યોએ ઉપયોગ બંધ કરાવ્યો
શહેરના અલગ અલગ વિસ્તારમાં નળમાં દૂષિત પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વિપક્ષી સભ્યો સસોઈ ડેમની મુલાકાતે પહોંચ્યા હતા. શહેરને પીવા માટે જે પાણી પુરું પાડવામા આવે છે તેમાંનું 10 થી 15 એમએલડી પાણી સસોઈ ડેમમાંથી આપવામા આવે છે. પાણી શુદ્ધના થાય ત્યાં સુધી ઉપયોગ બંધ કરવાની માગપૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફી સહિતના કોંગ્રેસના કોર્પોરેટરોએ સસોઈ ડેમની મુલાકાત લીધી હતી.અહીં આવેલા ફિલ્ટર પ્લાન્ટની મોટર બંધ કરાવી દીધી હતી. તો સાથે સ્થળ પરથી મનપા કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જ્યાં સુધી સસોઈ ડેમનું પાણી શુદ્ધ ના થાય ત્યાં સુધી શહેરીજનોને વિતરણ નહીં કરવા કહ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટરોએ કહ્યું હતું કે, સસોઈ ડેમના પાણીનો કલર હાલ લીલો થઈ ચૂક્યો છે. આ પાણી જ્યાં સુધી શુદ્ધ ના થાય ત્યાં સુધી વિતરણ થવું જોઈએ નહીં. જો આ પાણી વિતરણ કરવામા આવે તો લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવાની સંભાવના છે.