-
પિતરાઈ ભાઈ દ્વારા બોગસ દસ્તાવેજો રજૂ કરાયાની પોલીસ ફરીયાદ
Jamnagar: રાજકોટમાં રહેતી એક મહિલા, કે જેઓની ખેતીની જમીન ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં આવેલી છે. જે મિલકતમાં પોતાના તથા પરિવારના અન્ય સભ્યો ના હક્ક જતા કરવા માટે તેના જ પિતરાઈ ભાઈ એ ધ્રોળની મામલતદાર કચેરીમાં બોગસ દસ્તાવેજો રજૂ કર્યા અંગેની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે રાજકોટમાં રામનગર વિસ્તારમાં રહેતી વીણાબેન રમણીકલાલ ઠકરાર કે જેઓએ ધ્રોલ પોલીસ મથકમાં પોતાના પિતરાઈ ભાઈ અમિત મધુસુદન ઠકરાર સામે વારસાઈ મિલકતના હિસ્સા બાબતે પોતાના હક જતા કરવા માટેના બોગસ દસ્તાવેજો ધ્રોલની મામલતદાર કચેરીમાં માં રજૂ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીની સંયુક્ત માલિકીની ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં ખેતીની જમીન આવેલી છે. જે જમીન પચાવી પાડવાના હેતુથી પિતરાઈ ભાઈ અમિત મધુસુદન ઠકરાર કે જેણે ત્રાહિત વ્યક્તિના ફોટા વગેરે ચોંટાડી ખોટા સોગંદનામાં અને નોટરી કરીને મામલતદાર ની કચેરીમાં રજૂ કર્યા હતા.
જે અંગે ફરિયાદી મહિલાને જાણકારી મળતાં તેઓએ RTIમાં અરજી કરીને તમામ વિગતો મેળવી હતી, અને પોતાના તથા પોતાના પરિવારના અન્ય સભ્યોના ખોટા સોગંદનામામાં રજૂ કરીને પોતાના હકક જતા કર્યા છે, તેવું લખાણ મામલતદાર કચેરીમાં રજૂ કરાયા નું ધ્યાનમાં આવ્યું હતું. જેથી સમગ્ર મામલો ધ્રોલ પોલીસમાં લઈ જવાયો છે, અને ધ્રોળના પી.એસ.આઇ પી.જી. પનારા એ આ મામલે ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.