કોંગ્રેસના મોવડી મંડળએ જામનગર ગ્રામ્યના ઉમદેવાર તરીકે, ભાજપના કાર્યકરને ટિકિટ આપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની પ્રથમ યાદી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી તે સાથ જ જામનગર સહિતની કેટલીક વિધાનસભા બેઠકો પર રોષ અસંતોષ તથા આક્રોશ જોવા મળે છે. જામનગરમાં તો કોંગ્રેસના કાર્યકરોએ પોતાના જ પક્ષના ઉમેદવારનું પૂતળાદહન કરતા, સોમવારે સાંજે નગરજનો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની જે પ્રથમ યાદી, કોંગ્રેસે જાહેર કરી છે તેમાં જામનગર, દ્વારકા જિલ્લાની ૭ પૈકી માત્ર ૩ જ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. કાલાવડની અનાતમ બેઠક માટે પ્રવિણ મૂછડીયા, જામજોધપુરની બેઠક માટે ચિરાગ કાલરીયા તથા ૭૭ જામનગર ગ્રામ્યની બેઠક માટે વલ્લભ ધારવીયાનું નામ જાહેર થતા જ, વલ્લભ ધારવીયા વિરૂધ્ધ આક્રોશ વ્યકત થઈ રહ્યો છે. ખૂદ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો જ કહે છે કે, ધારવીયા દંપતિ વર્ષોથી ભાજપમાં છે. બંને પતિ પત્ની ભાજપામાં તથા સરકારમાં વિવિધ પદો પણ ભોગવી ચૂકયા છે. અને તેઓએ ભાજપામાંથી રાજીનામું નથી આપ્યું તો પણ, તેઓને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
જિલ્લા કોંગ્રેસના કેટલાક આગેવાનોએ, સોમવારે સાંજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, લીમડાલાઈન ખાતે પત્રકાર પરિષદ યોજી, વલ્લભ ધારવીયાની ઉમેદવાર તરીકેની પસંદગીનો સતાવાર વિરોધ કર્યો છે. તેઓએ આ રોષ, આક્રોશ બની બળવાના સ્વ‚પમાં પણ બહાર આવી શકે એમ છે. એવું પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૭૭ જામનગર ગ્રામ્યની આ બેઠક પર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ જે.ટી. પટેલ ઉપરાંત મેઘનાબેન પટેલ, કાસમભાઈ ખફી, જીવણભાઈ કુંસરવડીયા, દયાળજીભાઈ પટેલ તથા પ્રવિણભાઈ માધાણી સહિત કુલ ૮ દાવેદારો ટિકિટ માટે આશાવાદી હતા પરંતુ આ બેઠક પર વલ્લભ ધારવીયાનું નામ કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવતા પક્ષનો આંતરીક મામલો ગૂંચવાયો છે. કોંગ્રેસના આ દાવેદારોએ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરતા, પ્રદેશ કક્ષાએથી યોગ્ય પગલા લેવામાં આવશે. એવું આશ્ર્વાસન હાલ આપવામાં આવ્યું છે.
સોમવારે સાંજે, લીમડાલાઈન જિલ્લા કોંગ્રેસ કાર્યાલય નજીકનાં જાહેર માર્ગ પર, રોષે ભરાયેલા કોંગ્રેસી કાર્યકરોએ, આયાતી ઉમેદવારનું પૂતળુ સળગાવતા આ વિસ્તારમાં લાંબા સમય સુધી ટ્રાફીક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.