- જામનગર યુવાન પર જૂની અદાવતના કારણે એક શખ્સે માથામાં પાઇપ ફટકાર્યો
- પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી
જામનગર ન્યૂઝ : જામનગર શહેર અને જામનગર તાલુકાના ચંગા ગામમાં મારામારીના બે બનાવ બન્યા છે, જેમાં બે વ્યક્તિ ઘાયલ થઈ છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મારા મારીનો પ્રથમ બનાવ જામનગરમાં ઓશવાળ સેન્ટર પાસે બન્યો હતો. જે વિસ્તારમાં રહેતા અને ભંગારની ફેરી કરતા રાજુભાઈ કરસનભાઈ પરમાર નામના દેવીપુજક પ્રૌઢ ઉપર તેનાજ ભત્રીજા કાંતિભાઈ ગીગાભાઈ પરમાર, ઉપરાંત મનોજ ગીગા પરમાર, પપ્પુ જેન્તીભાઈ પરમાર અને મુકેશ પરમાર વગેરેએ હુમલો કરી માથામાં ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
ફરિયાદીનો પુત્ર સુનિલ આરોપી સાથે વાતચીત કરતો હતો, પરંતુ ફરિયાદી અને આરોપી વચ્ચે બોલવાનો વ્યવહાર ન હોવાથી તેની સાથે વાત કરવાની ના પાડતાં તમામ આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા, અને આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.મારા મારી નો બીજો બનાવ જામનગર તાલુકાના ચંગા ગામમાં બન્યો હતો. જ્યાં રહેતા કેવલ ભરતસિંહ કેર નામના ૨૦ વર્ષના યુવાન પર જુની અદાવતનું મન દુઃખ રાખીને પરેશ ઉર્ફે પરિયો ચંદુભા પિંગળ નામના શખ્સે માથામાં લોખંડનો પાઇપ ફટકારી દેતા માથું ફાટ્યું હતું, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને માથામાં પાંચ ટાંકા આવ્યા છે. પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
સાગર સંઘાણી