- ખેત ઉત્પાદનની બાકી રકમ નહીં ચૂકવી 5.28 કરોડ આરટીજીએસ કર્યાના ખોટા દસ્તાવેજો પણ બનાવ્યા
જામનગરમાં પારસ સોસાયટીમાં રહેતા એક વેપારી સાથે રાજકોટના વેપારી પિતા પુત્ર એ જુદી જુદી ખેત ઉત્પાદનની જણસની બાકી રોકાતી 11 કરોડ 18 લાખની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
જે બાકી રકમ પૈકી પાંચ કરોડ 28 લાખની રકમ આરટીજીએસ મારફતે ચૂકવી દીધાના ખોટા દસ્તાવેજો પણ બનાવી લીધા નું જાહેર કરાયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પારસ સોસાયટીમાં રહેતા અને હાપા માર્કેટ યાર્ડ નજીક જુદી-જુદી ખેત ઉત્પાદનની જણસ ની લે વેચ ની પેઢી ધરાવતા હિરેનભાઈ વિજયભાઈ કોટેચા નામના વેપારી યુવાને પોતાની સાથે રૂપિયા 11 કરોડ 18 લાખની છેતરપીંડી કરવા અંગે રાજકોટના જલારામ પાર્ક વિસ્તારમાં રહેતા હેમંત મોહનભાઈ દાવડા અને રવિ હેમંતભાઈ દાવડા નામના પિતા પુત્ર તેમજ રાજકોટના પલક કિરીટભાઈ રૂપારેલ સામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી. ડિવિઝનના પ્રોબેશનલ આઈપીએસ અધિકારી અજય કુમાર મિણાએ આઈપીસી કલમ 465,467,468, 406, 420 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર રાજકોટ તરફ લંબાવ્યો છે.
ફરિયાદી વેપારી હિરેનભાઈ દ્વારા આરોપીઓ સાથે જુદા જુદા સમયે ખેત ઉત્પાદનની જણસની વેચાણ અને ખરીદીના સોદાઓ કર્યા હતા. આ લે વેચ ના સોદા દરમિયાન ફરિયાદી વેપારીએ આરોપી પિતા પુત્ર પાસેથી 11,18,28,463ની રકમ લેવાની બાકી હતી.જે પૈસાની ઉઘરાણી કરવા જતાં ઉપરોક્ત રકમ ચૂકવવીના પડે તે માટે પિતા પુત્ર એ રાજકોટના પલક રૂપારેલ ની મદદથી રૂપિયા પાંચ કરોડ 28 લાખ ના ખોટા આરટીજીએસ કર્યાના દસ્તાવેજો બનાવ્યા હતા, અને વોટ્સએપ મારફતે તેની જુદાજુદા ત્રણ વખતની પહોંચ સાથેની બેંક મારફતે ચૂકવી હોવાની ખોટી વિગતો મોકલી હતી. અને હકીકતમાં આવી કોઈ રકમ બેંક મારફતે મોકલાવી ન હોવા છતાં ખોટા દસ્તાવેજો તૈયાર કરીને ઉપરોક્ત રકમનું ચુકવણું કરી દીધાનું જણાવ્યું હતું. પરંતુ ફરિયાદીના બેન્ક ખાતામાં આવી કોઈ રકમ જમા થઈ ન હોવાથી આખરે તેઓએ પંચકોષી બી. ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જેના અનુસંધાને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરાઈ છે.