- જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે વાહનને ઓવરટેક કરવાના પ્રશ્ને ડમ્પર ચાલક પર હુમલો કરી નાક ભાંગી નાખ્યું
- ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ
જામનગર ન્યૂઝ : જામનગર માં મહાપ્રભુજીની બેઠક પાસેથી ડમ્પર લઈને જઈ રહેલા એક યુવાનને વાહન ઓવરટેક કરવાના પ્રશ્ને ચાર શખ્સોએ તકરાર કરી ડમ્પર ઉભું રખાવ્યા પછી તેના ચાલક પર હુમલો કરી નાક ભાંગી નાખ્યું હતું, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મિયાંત્રા ગામમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો ભુપત મેરા ભાઈ માટિયા નામનો ૩૪ વર્ષનો યુવાન ગઈકાલે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પોતાનું ડમ્પર લઈને મહાપ્રભુજીને બેઠક પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન બે બાઈકમાં આવેલા ચાર શખ્સોએ વાહન ઓવરટેક કરવાના મામલે તકરાર કરી હતી, અને મોટરસાયકલ આડા નાખી ડમ્પરને રોકાવી લીધું હતું.
ત્યારબાદ ડ્રાઇવરને બહાર કાઢીલઈ તેના પર હુમલો કરી દીધો હતો, જેના કારણે તેનું નાક ભાંગી ગયું હતું, અને ફેક્ચર સહિતની ઈજા થઈ છે. આથી તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે ૪ અજાણ્યા શખ્સો સામે હુમલા ની ફરિયાદ નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
સાગર સંઘાણી