રખડતા પશુઓને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્ય છે. તેના લીધે સરકાર દ્વારા રખડતા ઢોરને ડબ્બે પૂર્વ માટે કડક સુચના આપવામાં આવી હતી ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ઉમદા અને માનવતા સભર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં સગર્ભા તથા દુધાળા પશુઓને ઢોરના ડબ્બેથી પશુ માલિકો પાસેથી દંડ વસૂલી બાંહેધરી આપી માનવતાના ધોરણે છોડી મૂકવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન હેઠળ તમામ ઢોરના ડબ્બેથી સગર્ભા તથા દુધાળા પશુઓને દંડ વસૂલી પશુમાલિકોને પરત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જામનગર મહાનગર પાલિકા દ્વારા હાલ શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ઘણા દુધાળા તથા સગર્ભા પશુઓ પણ શહેરમાં પશુ માલિકો દ્વારા છોડવામાં આવતા હોય છે, તેથી આ ઝુંબેશ દરમિયાન સગર્ભા તથા દુધાળા પશુઓને પકડવામાં આવ્યા હોય, જેને જામનગર મહાનગરપાલિકા હસ્તકના ઢોરના ડબ્બામાં ઘાસચારો પાણી દવાઓની વ્યવસ્થા કરી માનવતા ભરી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
હાલ પકડાયેલા પશુઓ પૈકી સગર્ભા હોય તેવી ગાયો તથા જે પશુઓ દુધાળા હોય અને તેમના બચ્ચાઓને દૂધ પીવડાવતી હોય, તેવા પશુઓના શરીરમાંથી દૂધનો નિકાલ ન થાય તો તે જીવલેણ સાબિત થવાની સંભાવના રહે છે , આથી સગર્ભા અને દુધાળા હોય તેવા પશુઓ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા અબોલ અને જરૂરિયાતવાળા પશુઓને માનવતાના ધોરણે ૫,૦૦૦ રૂપિયા પશુ દીઠ ખોરાક ચાર્જ, ડબ્બા ચાર્જ તથા ઢોર ડબ્બાનો દંડ વગેરે, સહિત વસૂલ લઈ સગર્ભા અને દુધાળા પશુઓને છોડવામાં આવશે.
આ પ્રકારે છોડવામાં આવતા પશુઓના માલિકોને પણ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે, કે ઢોરના ડબ્બેથી સગર્ભા અને દુધાળા પશુઓને લઈ ગયેલ ઢોરને જાહેર માર્ગો ઉપર ન છોડવા જે અંગેની બાંહેધરી જામનગર મહાનગરપાલિકા ને આપવાની રહેશે.