જૂની કોલેજ કેન્ટીન ખાતે સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધી આ ઓ.પી.ડી. કાર્યરત રહેશે
જામનગરમાં હાલ કોવિડ સંક્રમણના અતિ વ્યાપના કારણે સરકારી દવાખાનાઓ ખાતે દર્દીઓનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પણ કોવિડ સહિતના રોગોના દર્દીઓની ઓ.પી.ડી. સંખ્યામાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે ત્યારે જી.જી.હોસ્પિટલ દ્વારા દર્દીઓને સરળતાથી સારવાર ઉપલબ્ધ થાય તેમજ કોરોના સંક્રમણ પણ ફેલાતું અટકે તે હેતુથી જી.જી. હોસ્પિટલ ખાતે જ નવી ફ્લુ ઓ.પી.ડી. શરૂ કરી એક નવતર પહેલ આરંભાઈ છે.
આ અંગેની વધુ વિગતો આપતાં ડીન નંદિની દેસાઈએ જણાવ્યું છે કે જી. જી. હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં હાલ કોવિડ સંક્રમણના થયેલ વધારાને કારણે દૈનિક અંદાજે 700 દર્દીઓની ઓ.પી.ડી. રહે છે જેમાં 50 ટકા ઉપર ક્રિટિકલ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે.આથી અત્યારે હોસ્પિટલમાં એવા દર્દીઓ કે જેઓને માત્ર તાવ, શરદી કે ઉધરસની સામાન્ય તકલીફ છે તેઓને સારવાર અંગે કોઈ હાલાકી ન પડે તે હેતુથી તેઓ માટે એસ.બી.આઇ. એ.ટી.એમ. ની સામે જૂની કોલેજ કેન્ટીન ખાતે અલાયદી ઓ.પી.ડી. ની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ઓ.પી.ડી. નો સમય સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે જેનો જાહેર જનતાને લાભ લેવા ડીન દ્વારા અનુરોધ કરાયો છે.
ગ્રામ્ય વિસ્તારમાં કોવિડની સારવાર માટે 39 કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયા
જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ગ્રામવિસ્તારોને કોરોનામુક્ત કરવા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરાઇ રહી છે.ગ્રામજનોને સમયસર અને સઘન સારવાર મળી રહે તે માટે જિલ્લાના નવ સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત 30 કેન્દ્રો ખાતે કોવિડ-19ની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર વહિવટી તંત્ર દ્વારા 130 જેટલા ઓક્સિજન સિલિન્ડર્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વાયરસ મહામારીને નાથવા રાત-દિવસ સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. માળખાકિય સુવિધાઓમાં સુધારો અને ઉપલબ્ધ સંસાધનોના સુઆયોજીત ઉપયોગ થકી મહત્તમ દર્દીઓને સઘન સારવાર મળે તે માટે વહિવટી તંત્ર કટીબદ્ધ છે. હાલની સ્થિતિએ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ એવા ઓક્સિજન સિલિન્ડર્સના સુઆયોજીત ઉપયોગ થકી નવ જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને 2 કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓને ઓક્સિજન સાથેની સારવાર આપવામાં આવી રહી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી બી.પી.મણવરે જણાવ્યું હતું કે, દર્દીઓને ઓક્સિજન સાથેની સારવાર માટે જિલ્લાના જાંબુડા, ધ્રોલ, જામજોધપુર, જોડીયા, ધુતારપર, લાલપુર, કાલાવડ, સિક્કા અને ડબાસંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કુલ 130 ઓક્સિજન સિલિન્ડર્સ ફાળવવામાં આવ્યા છે. આ નવ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કુલ 168 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં 100 ઓક્સિજનની સુવિધાથી સજ્જ બેડ છે. હાલ સુધીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતેથી સઘન સારવાર મેળવી 450થી વધુ ગ્રામજનોએ કોરોનાને માત આપી છે અને સરેરાશ 100 જેટલા દર્દીઓ સારવાર મેળવી રહયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોવીડ-19ના સંક્રમિત દર્દીઓમાં વધારો જણાતા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત 30 (કોવિડ કેર સેન્ટર) કાર્યરત કરવામાં આવેલ છે તેમજ 28 જેટલા ગામોમાં સમાજવાડી અથવા તો ગામની શાળા ખાતે કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થાનું કરવામાં આવેલ છે. આમ, ઓક્સિજન સ્પોટ સાથેના 160 બેડ સહિત કુલ (ઓક્સિજન અને ઓક્સિજન વગરના) 645 બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે, વધુ આવશ્યકતા અનુસાર બેડ વધારવામાં આવશે.
જામનગર જિલ્લા માટે એપ્રિલ માસ રહ્યો આકરો,
આખા મહિનામાં 132 લોકોના કોરોનાથી થયા મોત
શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે એપ્રિલ મહિનો કોરોનાના દ્રષ્ટિએ સૌથી વધુ મુશીબત આપનારો સાબિત થયો હતો. લોકો ઉપરાંત આરોગ્ય તંત્ર માટે પણ આ મહિનો ભયંકર માનસિક યાતના આપનારો નિવડયો હતો. એપ્રિલ માસ દરમ્યાન કુલ 1.31 લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી સાડા અગિયાર હજાર જેટલા લોકો કોરોના સંક્રમિત હોવાનું ખુલ્યું હતું. આ સામે એપ્રિલ માસ દરમ્યાન 6,988 લોકો કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા હતા. આરોગ્ય તંત્રના રેકર્ડ ઉપર કોરોનાના કારણે 132 લોકોના જ મૃત્યું નિપજ્યા હતા. જે વાસ્તવિક મૃત્યું કરતા 10 ટકાથી પણ ઓછા હોવાનું જાણવા મળે છે.
એપ્રિલ માસની શરૂઆતની વાત કરીએ તો 1લી તારીખે જામનગર શહેરમાં 34 પોઝીટીવ કેસ નોંધાયા હતા અને તેની સામે તે દિવસે 23 દર્દી સ્વસ્થ થયા હતા. 1લી એપ્રિલની જ ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ જોઇએ તો 26 પોઝીટીવ કેસ સામે 22 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. આ પછી જામનગર શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ પોઝીટીવ કેસ નોંધાવાનું પ્રમાણ દરરોજ વધતુ જ ગયું છે. માત્ર છ દિવસ બાદ એટલે કે 7મી એપ્રિલે જામનગર શહેરમાં 109 કેસ નોંધાયા હતા પરંતુ તેની સામે માત્ર 40 દર્દી જ સ્વસ્થ થયા હતા. જયારે જામનગર ગ્રામ્યમાં પણ 93 પોઝીટીવ કેસ નોંધાયા અને માત્ર 44 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. 14મી એપ્રિલના રોજ જામનગર શહેરમાં જ 189 કેસ નોંધાયા હતા અને 99 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જયારે ગ્રામ્ય વિસ્તારમાં 119 કેસ નોંધાયા હતા અને તે સામે 74 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.એપ્રિલ માસનો 30 દિવસનો સરવાળો જોઇએ તો જામનગર શહેરમાં 82,546 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 6,735 લોકો કોરોના પોઝીટીવ નોંધાયા હતા. અને તેની સામે માત્ર 3,477 દર્દી જ સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતા. જયારે જામનગર ગ્રામ્યમાં એપ્રિલ માસ દરમ્યાન 48,901 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 4,713 પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને તેની સામે 3,511 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. કુલ જોઇએ તો જામનગર શહેર અને ગ્રામ્યમાં 30 દિવસમાં 1,31,447 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેમાથી 11,448 કેસ નોંધાયા હતા અને તેની સામે 6,988 દર્દી સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા છે.
જિલ્લામાં કોરોનાના 728 નવા કેસ સારવાર દરમિયાન 80 દર્દીના મોત
શહેરમાં રાત્રિ કફર્યૂ અને આંશિક લોકડાઉન બાદ પણ કોરોના સંક્રમણમાં ખાસ ઘટાડો નથી થઈ રહ્યો. જિલ્લામાં આજે ફરી એકવાર 700ને પાર કેસ નોંધાયા છે. તો 80 દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે.જામનગર જિલ્લામાં આજે 728 કેસ નોંધાયા છે. જેમાં 397 કેસ શહેરી વિસ્તારમાં તો 331 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે.
કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 484 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 40 હજાર 313 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 54 હજાર 9238 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. રાજ્યના જે 10 જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોને રસી આપવાનો નિર્ણય કરાયો છે તેમાં જામનગરનો પણ સમાવેશ કરાયો છે. જામનગરમાં હાલ 45 વર્ષથી મોટી ઉમરના અને 18 વર્ષતી ઉપરની ઉમરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે. 18 વર્ષથી વધુ ઉમરના લોકોના રસીકરણને લઈ હાલ યુવાઓમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.