અબતક-જામનગર:શહેરમાં શહેરીજનોને મુસાફરી માટે સીટી બસ જુદા જુદા 20 રૂટો ઉપર દોડી રહી છે. પરંતુ કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિમાં સીટી બસની આવકમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનું સીટી બસના સંચાલક સી.એમ. જાડેજાએ જણાવ્યું હતું.
તેઓએ જણાવ્યુ હતું કે ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે ટીકીટના દરમાં કોઇ વધારો કરવામાં આવેલ નથી. પરંતુ શહેરીજનો સીટી બસમાં મુસાફરી વધુ કરે એ જરૂરી છે.
‘કોરોનાનું ગ્રહણ’; આવકમાં 40%નો ઘટાડો
ટિકિટના દરમાં કોઈ વધારો નહિ, શહેરીજનો વધુમાં વધુ સીટી બસમાં મુસાફરી કરે તે જરૂરી: સી.એમ.જાડેજા
મહાનગરપાલિકાના વિસ્તારમાં સીટી બસની સેવાને પણ કોરોના અને લોકડાઉનનું ગ્રહણ લાગ્યુ હોય તેવો ઘાટ સર્જાયો છે. સીટી બસના સંચાલક સી.એમ. જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં 20 જેટલા રૂટો ઉપર સીટી બસ સેવા ચાલી રહી છે. જેમાં દરબાર ગઢથી હાપા, રેલ્વે સ્ટેશન, ટાઉનહોલથી એરફોર્સ, રામેશ્વરનગરથી ગોકુલનગર, બેડીથી દરબાર ગઢ, રામેશ્ર્વરનગરથી દરબારગઢ, દરબારગઢથી ગાંધીનગર, ટાઉનહોલથી વાલસુરા, ગોકુલનગરથી દરબારગઢ, રેલ્વે સ્ટેશન ગાંધીનગરથી દરબારગઢ, રામેશ્ર્વરનગરથી રામેશ્ર્વનગર સરકયુલર રૂટ ઉપરાંત દરબારગઢથી દરેડ, રામેશ્ર્વરનગરથી મસીતીયા, દરબારગઢથી મસીતીયા, ડીકેવીથી દડીયા, દરબારગઢથી કનસુમરા, કનસુમરાથી રામેશ્ર્વરનગર, ખીમરાણાથી રણજીતનગર પટેલ સમાજને આવરી લેતા સીટી બસના રૂટો ઉપર સીટી બસ 20 રૂટો ઉપર ચાલી રહી છે.
શહેરીજનો સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગ્રામજનો પણ શહેરમાં સરળતાથી અવર-જવર કરી શકે એ પ્રકારે સીટી બસ સેવા ચાલી રહી છે. આ સીટી બસ સેવાને લઇને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગ્રામજનોને જામનગરમાં ધંધા-રોજગાર અર્થે તેમજ ખરીદી અર્થે કે અન્ય કોઇ કામસર આવવા-જવાનું સરળતાથી કરી શકાય તે પ્રકારે સીટી બસ સેવા દોડાવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનોને ઉદ્યોગનગર વિસ્તારમાં રોજગાર માટે આવવા જવાના સમયને ધ્યાનમાં રાખીને સીટી બસ સેવા આપવામાં આવે છે. સીટી બસના સંચાલકે જણાવ્યું હતું કે, કોરોના અને લોકડાઉન બાદ સીટી બસમાં મુસાફરોમાં 30થી 40 ટકાનો ઘટાડો થયો છે. જેની સીધી અસર સીટી બસની આવક ઉપર પડી છે. આમ જોઇએ તો જામનગરમાં સીટી બસ સેવાની આવકમાં 40 ટકા જેટલો એકંદરે ઘટાડો થયો છે. બીજી તરફ ડીઝલના ભાવમાં પણ ખુબ વધારો થયો છે. પરંતુ તેના પ્રમાણમાં સીટી બસના ભાડામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. તેમ સીટી બસના સંચાલક જાડેજાએ જણાવ્યું હતું.
હાલમાં શાળા-કોલેજમાં પણ વિદ્યાર્થીઓની અવર જવર હોય જેનાથી સીટી બસ સેવામાં મુસાફરોની સંખ્યામાં મોટી અસર પડી છે. સાથે સાથે કોરોનાના સંક્રમણ અને લોકડાઉન પછી શહેરીજનોએ પણ સીટી બસનો ઉપયોગ ઓછો કરી દીધો છે જેને લીધે એકંદરે છેલ્લા એક વર્ષમાં 60 ટકા જેટલા મુસાફરોની અવર જવરમાં ઘટાડો થયો હોવાનું સીટી બસના સંચાલક સી.એમ. જાડેજાએ જણાવ્યું હતું. જો સીટી બસ સેવાનો શહેરીજનો વધુમાં વધુ લાભ લે તે જરૂરી છે. બીજી એ મહત્વની વાત છે કે, મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે સીટી બસ સેવાને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.