જામનગર સમાચાર
જામનગર શહેરમાં ઓમ ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત વર્ષ 2009થી ડિમ્પલબેન મહેતા દ્વારા ૩ દિવ્યાંગ બાળકોથી કરવામાં આવી હતી અને હાલ આ સેન્ટરમાં 48 દિવ્યાંગ બાળકો તાલીમ મેળવી રહ્યા છે. જેમાં દિવ્યાંગ બાળકો માટે વર્ષ દરમિયાન અવનવી અને તહેવારોને અનુલક્ષીને પ્રવૃતિઓ કરાવવામાં આવી રહી છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વ નિમિતે દિવ્યાંગ બાળકોએ રંગબેરંગી દિવડાઓ બનાવી પોતાની કલાના ઓજસ પાથરયા છે .
જામનગર શહેરમાં એરફોર્સ રોડ, ખેતીવાડી કેન્દ્ર મેઇન ગેટની સામે આવેલ માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા ઓમ ટ્રેનિંગ સેન્ટર તાલીમ કેન્દ્રની શરૂઆત 2009થી ડિમ્પલબેન મહેતા દ્વારા એકલા હાથે શરૂ કરવામાં આવી હતી. હાલ આ સેન્ટરમાં 22 દિકરાઓ અને 26 દિકરીઓ તાલીમ મેળવી રહ્યા છે.
આ સેન્ટરમાં તહેવારોને અનુલક્ષીને વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી રહી છે ત્યારે દિવાળી તહેવારોને અનુલક્ષીને 48 દિવ્યાંગ બાળકો દ્વારા 40 હજાર જેટલા દિવડાઓ બનાવવામાં આવ્યા છે. આ દિવ્યાંગ બાળકો દ્વારા સતત 2 મહિનાથી દિવાળીના દિવડાઓ બનાવવામાં લાગી ગયા હતાં. રંગેબેરંગી દિવડાઓ બનાવી દિવ્યાંગ બાળકોએ પોતાની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવા સંસ્થા દ્વારા પ્રયાસ કરાવવામાં આવે છે. આ દિવ્યાંગ બાળકોના બનેલા દીવડાઓની શહેરીજનો સેન્ટરની મુલાકાત લઇ દિવડાઓની ખરીદી કરી તેની કલાને પ્રોત્સાહિત કરી રહ્યા છે.