જર્જરિત ગેઇટના મામલે  રજૂઆત છતાં રિપેર કરાયો ન હોવાથી આખરે બાળકનો ભોગ લેવાતાં અરેરાટી

જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં પાંચ વર્ષના એક વિદ્યાર્થી પર જી.એમ.બી.નો જર્જરિત ગેઇટ માથે પડતાં ગંભીર ઈજા થવાના કારણે બાળકનું ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. જી.એમ.બી. ના ગેઇટને રીપેરીંગ માટે અનેક વખતની રજૂઆત છતાં રીપેર કરાયો ન હોવાથ એક માસુમ બાળકનો ભોગ લેવાયો છે, જેથી ભારે અરેરાટી પ્રસરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં રહેતો અને આંગણવાડીમાં અભ્યાસ કરતો અલફાજ આદમ બેલાઈ નામનો પાંચ વર્ષનો વિદ્યાર્થી કે જે આજે બપોરે  આંગણવાડીથી છૂટીને જી.એમ.બી. કંપનીના ગેઇટ પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન લોખંડનો ગેઇટ બાળકના માથે પડ્યો હતો, અને ભારે સ્ત્રાવ થઈ જતાં બાળકનું ઘટના સ્થળપર કમકમાટી ભર્યુ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ પછી મૃતકના પરિવારજનો વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તેમજ સ્થાનિક આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જી.એમ.બી.નો જે ગેઇટ જર્જરીત હાલતમાં હતો, જે અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ તેને રિપેર કરવામાં બેદરકારી દાખવી હોવાથી આખરે એક માસુમ બાળકનો ભોગ લેવાયો છે. જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.