બે વ્યક્તિ પાસેથી રૂ.૧.૫૦ લાખ લઈ ગઠિયો ફરાર: આરોપીઓએ અગાઉ પણ અનેક લોકોને બાટલીમાં ઉતર્યા’તા
જામનગરમાં થોડા દિવસ પહેલા પણ એક શખ્સે ઈન્કમટેકસમાં નોકરી અપાવવાની લાલચે બે વ્યક્તિઓ સાથે છેતરપિંડી કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ભોગ બનનાર અન્ય લોકો પણ પોલીસ ફરિયાદ કરવા આગળ આવ્યા છે. ત્યારે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ વધુ બે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગઠિયો નોકરી ઈચ્છુક પાસેથી રૂ.૧.૫૦ લાખ સેરવી ગયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લાલપુરમાં રહેતા અને ખેતીકામ કરતા રમેશગીરી પ્રભૂતગીરી ગોસાઈએ સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિશાલ હેમંત કણસાગરાએ ઈન્કમટેકસમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી રોકડ અને ગૂગલ પે દ્વારા રૂ.૧ લાખ પચાવી પાડી મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયાનું જણાવ્યું હતું.
એવી જ રીતે જામનગરમાં અશોક સમ્રાટનગરમાં રહેતા જીતેન્દ્રભાઇ નાથાભાઈ વકાતર નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે વિશાલ હેમંત ચંદારાણા નામના શખ્સે ઈન્કમટેકસમાં નોકરીની લાલચ આપી રૂ.૫૦,૦૦૦ લઈ ફરાર થઈ ગયાનું જણાવ્યું છે.
પોલીસે બંને ફરિયાદના આધારે વિશાલ કણસાગરા નામના શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિશાલ કણસાગરા સામે ઈન્કમટેકસમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી નાસી ગયો છે.