- જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા બાઈકના શોરૂમમાંથી રૂપિયા 2.37 લાખની રોકડ રકમની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ
- મોડી રાત્રે ચોરી કરવા આવેલા બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી ફૂટેજ મેળવી પોલીસ દ્વારા તસ્કરોની શોધખોળ
Jamnagar News : જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલા એક બાઈકના શોરૂમમાં બે દિવસ પહેલાં રાત્રીના સમયે ચોરો ત્રાટકયા હતા, અને શોરૂમ તથા સર્વિસ સ્ટેશનમાંથી કુલ 2,37,440ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે. મોડી રાત્રે આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી તેના ફૂટેજ મેળવીને પોલીસ દ્વારા તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા અવધ ઓટો મોબાઈલ શો રૂમમાં 14 મી તારીખે રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને શોરૂમના પાછળના ભાગે આવેલું શટર ઉચકાવી પ્રવેશ મેળવી લીધો હતો, અને કાઉન્ટરમાં રાખેલી રૂપિયા 2,18,300ની રોકડ રકમની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ બાજુમાં જ આવેલા વર્કશોપમાંથી પણ રૂપિયા 19,140 મળીને કુલ 2,37,440ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.
જે ચોરીના બનાવ અંગે શોરૂમના મેનેજર દીપક અનિલ લખીયરે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. એમ.કે. બ્લોચ પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
શોરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતાં તેમાં રાત્રિના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં બે તસ્કરો ચોરી કરવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું, આથી પોલીસે તે ફૂટેજ મેળવી લઈ ઉપરોક્ત વર્ણનના આધારે તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.
અહેવાલ : સાગર સંઘાણી