રણજીતનગરના હાઉસીંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે અને જર્જરીત ચાર દુકાનો પોલીસને સાથે રાખી તંત્રે તોડી પાડી હતી. આ મામલે સ્થળ પર ભાડુઆતોએ આત્મવિલોપનનો પ્રયયાસ કર્યો હતો.
રણજિતનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પર ગેરકાયદે બાંધકામને લઈને તંત્રે પોલીસને સાથે રાખી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરાતા હાઉસિંગ બોર્ડના ભાડુઆતોએ સ્થળ પર આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે અટકાવ્યા હતા. જેમાં ચાર વ્યક્તિઓની પોલીસે કરી અટકાયત કરતાં ભારે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો.
હાઉસિંગ બોર્ડની ચાર જર્જરીત દુકાનો પેટા ભાડૂત હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ ચાર દુકાનોને રિનોવેટ કરવાની કામગીરીની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ વારંવાર હાઉસિંગ બોર્ડના કાર્યપાલ એન્જિનિયરના કહેવા મુજબ તેને નોટિસ આપવામાં આવી હતી તો પણ જગ્યા ખાલી કરવામાં આવી નહોતી. નોટિસ આપવા છતાં દુકાનો ખાલી ન કરાતાં ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલ એન્જિનિયર તથા ટીમ સહિત જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગને સાથે રાખીને ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.