ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવાન પર તલવાર અને છરીથી હુમલો

જામનગર શહેરમાં ગઈરાત્રે જુદાજુદા ત્રણ સ્થળોએ મારામારીના બનાવો બન્યા છે. દિગ્જામ સર્કલ રોજી પંપ તેમજ શંકર ટેકરી વિસ્તારમાં ત્રણ યુવાનો ઉપર તલવાર છરી જેવા તિક્ષ્ણ હથીયારો વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જયારે ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

જામનગરમાં શંકર ટેકરી સિધ્ધાર્થ કોલોની શેરી નં.૧૩માં રહેતા અને ડ્રાઈવીંગ કામ કરતા અર્જુન ઉર્ફે દિપકભાઈ સીદીભાઈ ખિમસુરીયા નામના ૩૯ વર્ષના યુવાને પોતાના ઉપર છણી તેમજ તલવાર વડે હુમલો કરવા અંગે ધર્મેન્દ્ર ઉર્ફે ભાંભડો રસીકભાઈ ગોહિલ ટપુભાઈ અનિલભાઈ સોંદરવા તેમજ અલ્કેશ વિનુભાઈ નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી અર્જુનભાઈના પુત્ર હિંમાંશુને બપોરનાં સમયે આરોપીઓએ મારમાર્યો હતો. જે પ્રશ્ર્ને સમાધાન કરવા માટે આરોપીઓએ એક પાનની દુકાને બોલાવ્યા પછી છરીને તલવાર વડે હુમલો કરી દેતા તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ બનાવ અંગે ત્રણેય આરોપીઓ સામે હુમલા અંગે ગુન્હો નોધાયો છે. જામનગરમા બીજો બનાવ દિગ્જામ સર્કલ પાસે બન્યો હતો. જયાં મોટી ખાવડીના વતની નરેન્દ્રસિંહ વાઢેર નામના વેપારી યુવાન ઉપર દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જેઠવા, ઈન્દુભા રામસિંહ સોઢા, બ્રિજરાજસિંહ મહેન્દ્રસિંહ જેઠવા અને દિવ્યરાજસિંહ નામની ચાર વ્યકિતએ લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કરીદીધો હતો. આ સમયે ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જેઠવા છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ ઈજા થઈ હતી. ઉપરાંત ઝપાઝપી દરમ્યાન તેઓએ પહેરેલો સોનાનો ચેઈન પણ કયાંક પડી ગયો અને ગુમ થઈ ગયો હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું હતુ. આ બનાવ અંગે ચારેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

ત્રીજો બનાવ રોઝી પંપ પાસે બન્યો હતો. જામનગરનાં રણજીતનગર નજીક આશાપૂરા સોસાયટી શેરી નં.૧માં રહેતા વિમલભાઈ કેશવભાઈ લાલવણી નામના વેપારી યુવાન ઉપર ગઈરાત્રે એક પાનની દુકાને રાજુભાઈ હકુભાઈ લખીયા અને હકુભાઈ લખીયારે ધોકા પાઈપ વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. પોલીસે આરોપી પિતા પુત્ર સામે ગુન્હો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.