યોગ ભગાવે રોગ
કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ પુનમબેન માડમ, કલેકટર બી.એ. શાહ, એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ સ્વસ્થ રહેવા કર્યા યોગ
સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશની માફક આજે જામનગર પણ યોગમય બન્યું છે. શહેરમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે બે મોટાં કાર્યક્રમો યોજાયા. જે પૈકી એક કાર્યક્રમ શહેર કક્ષાનો હતો જેનું આયોજન જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાના યોગદિન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. શહેર કક્ષાનો કાર્યક્રમ મહાનગરપાલિકાએ તળાવની પાળે યોજ્યો હતો જયારે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ વહીવટી તંત્ર દ્વારા શહેરના ક્રિકેટ બંગલા મેદાનમાં યોજવામાં આવ્યો હતો. આ બંને કાર્યક્રમો સવારે વહેલા શરૂ થયાં હતાં જેમાં સ્થાનિક આગેવાનો અને મહાનુભાવો તેમજ યોગપ્રેમીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
તળાવની પાળે ગેઈટ નંબર એક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, બંને ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી ઉપરાંત અન્ય મહાનુભાવો જોડાયા હતાં. જેમાં ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનિષ કટારિયા, વિપક્ષ નેતા ધવલ નંદા, કમિશનર ડીએન મોદી, ઇન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની, શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ કનખરા તથા વાઈસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા વગેરેનો સમાવેશ થતો હતો.
આ ઉપરાંત ક્રિકેટ બંગલા મેદાનમાં યોજવામાં આવેલાં જિલ્લાકક્ષાના યોગદિન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત જિલ્લા પંચાયત અધ્યક્ષ ધરમશી ચનિયારા, કલેકટર બી એ શાહ, નિવાસી અધિક કલેકટર બી એન ખેર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, એસપી પ્રેમસુખ ડેલુ વગેરે અધિકારીઓ, મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને યોગદિનની ઉજવણીમાં સામેલ થયાં હતાં.