જામનગર સમાચાર
જામનગરની જીજી હોસ્પિટલ થોડાં થોડાં સમયે કોઈને કોઈ વિવાદોમાં ઘસડાતી રહે છે. આ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચાનો વિષય બની છે. હોસ્પિટલનો અંદરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળે છે કે, એક નિવાસી તબીબ ઉશ્કેરાયેલી સ્થિતિમાં છે અને તેને કોઈની સાથે જીભાજોડી ચાલી રહી છે.
આ ઉપરાંત જીજી હોસ્પિટલના કેટલાંક ફોટાઓ પણ વાયરલ થયા છે જેમાં દેખાઈ રહ્યું છે કે, એક વ્યક્તિને મુખના ભાગે, ગળા પર તથા હાથના ભાગે કોઈએ માર માર્યો હોય તે પ્રકારની ઈજાઓના નિશાન જોવા મળી રહ્યા છે.આ વાયરલ વીડિયો તથા ફોટાઓ અંગે મીડિયાકર્મીઓએ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.દિપક તિવારીને જાણકારીઓ માટે કેટલાંક પ્રશ્નો પૂછયા હતાં જેના જવાબમાં તેઓએ કહ્યું કે, હોસ્પિટલના લેબોરેટરી ટેક્નિશિયન દ્વારા એક નિવાસી તબીબ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને કેટલીક વિગતો જણાવવામાં આવી છે. આ કથિત બનાવની તપાસ માટે તપાસસમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના તપાસરિપોર્ટ બાદ જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.
હોસ્પિટલના આ ફોટાઓ અને વીડિયો વાયરલ થયા બાદ, બિનસતાવાર રીતે એવું જાણવા મળેલ છે કે, હોસ્પિટલમાં એક લેબોરેટરી ટેક્નિશિયન અને એક રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે લેબ રિપોર્ટ મામલે કોઈ માથાકૂટ થયેલી. આ બનાવ બાયોલોજી લેબમાં બન્યો હોવાનું કહેવાય છે અને આ ડોક્ટર ઓર્થોપેડીક વિભાગના હોવાનું બહાર આવ્યું છે. લેબોરેટરી ટેક્નિશિયનને માર પડ્યો હોવાનું જાણવા મળેલ છે. આ બનાવે હોસ્પિટલ વર્તુળોમાં ચકચાર જગાવી છે.