જામનગરમાં બનાવાયેલા શૌચાલયોમાં ભ્રષ્ટાચાર થયો છે અને ચૂકવણાના લીસ્ટમાં અનેક નામો બે-બે વખત જોવા મળ્યા છે ત્યારે જવાબદારો સામે પગલાં લેવા જોઈએ તેવી મહાનગરપાલિકાના વિપક્ષના સદસ્ય દેવસી આહિરએ આધારપુરાવા સાથે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી જેના જવાબમાં જણાવાયું હતું કે જેમને પણ બેવડું ચૂકવણુ થયું હશે તો તેના કોન્ટ્રાક્ટર પાસેથી રકમ પરત મેળવવામાં આવશે.
જામનગર મહાપાલિકાની સામાન્ય સભા આજે મેયર હસમુખ જેઠવાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિપક્ષના સભ્યોએ પ્રશ્નોની ઝડી વરસાવી હતી.
આ સામાન્ય સભામાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ ર૦૧૬ માં બાયલોઝ મુસદ્દાને મંજુુર કરવામાં આવ્યો હતો જેની ચર્ચામાં ભાગ લેવા વિપક્ષના નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના સંદર્ભમાં નાના વેપારીઓને દંડ કરવામાં આવે છે. હકીકતે પ્લાસ્ટિકના વેપારીઓ સામે જ દંડનીય કામગીરી કરવી જોઈએ. જામનગર મહાનગરપાલિકાને ખુલ્લામાં થતી શૌચક્રિયા મુકત જાહેર કરવાની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી.
આ મુદ્દે ચર્ચા કરતા વિપક્ષી સદસ્ય કાસમભાઈ ખફીએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર ૧, બેડી વિસ્તારમાં આજે પણ દરરોજ ર૦૦ જેટલા મહિલાઓ રેલવેના પાટા પાસે જાહેરમાં શૌચક્રિયા કરવા જાય છે. આ વિસ્તારની શૌચાલય માટેની અનેક અરજીઓ પેન્ડીંગ પડી છે. તેને સત્વરે મંજુર કરવી જોઈએ.
તેના જવાબમાં જણાવાયું હતું કે, એક જ એજન્સી કામ કરતી હોવાથી કામ ધીમું ચાલી રહ્યું છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જામનગરમાં સ્થાનિક સત્તા મંડળના એક સદસ્યની નિમણૂક માટેની દરખાસ્ત અન્વયે યોગેશ કણઝારિયાની વરણી કરવામાં આવી હતી.શૌચાલય અંગેની ચર્ચામાં ભાગ લેતા આનંદ ગોહિલએ જણાવ્યું હતું કે, વોર્ડ વાઈઝ સર્વે કામગીરી કરાવવાની જરૃર છે. વિપક્ષી સદસ્યા શિતલબેન વાઘેલાએ લાઈટ શાખા સામે આક્ષેપ કર્યો હતો કે મને ફોન કરતા યોગ્ય જવાબો આપવામાં આવતા નથી, પરંતુ ઊડાવ જવાબ અપાય છે. આથી મેયરે આ બાબતે અધિકારીને તાકીદ કરી હતી તથા ઈન્ચાર્જ નાયબ કમિશનર મુકેશ કુંભારાણાએ જણાવ્યું હતું કે જે અધિકારી બાબતની આપની ફરિયાદ છે. તે બાબતે કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર છે.