જી.જી. હોસ્પિટલમાં આવેલા કોવિડ વિભાગમાં ગઈકાલે બપોરે મહિલા સફાઈ કર્મીઓ વચ્ચે કોઈક બાબતે વિવાદ થતાં તેઓ ઉગ્ર બોલાચાલી પર આવી ગયા હતા જેમાં અન્ય કર્મચારી પણ જોડાતા વાતાdવરણ તંગ બન્યું હતું ત્યારબાદ સિક્યુરિટીમેને દરમિયાનગીરી કરતા તેઓ દાદાગીરી કરતા હોવાના આક્ષેપ સાથે ટોળું બહાર રોડ પર આવી ગયું હતું જે દરમિયાન કોઈએ પોલીસને ફોન કરતા પોલીસ પણ દોડી આવી હતી અને ટોળાને કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આ દરમિયાન ધક્કામૂકી અને રકઝક થતાં બે મહિલાના માથામાં પોલીસની કથિત લાકડી લાગી જતાં તે લોહી લુહાણ થઈ ગઈ હતી જેનાથી વાતાવરણ વધુ ગંભીર બન્યું હતું અને ટોળાએ બેફામ સૂત્રોચ્ચારો કરી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં પોલીસ અને સિક્યુરિટી સામે ગુનો નોંધી પગલાં લેવાની માંગણી કરીને વાતાવરણને તંગ બનાવી દીધુ હતું.
મોડીરાત સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે સુખદ સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો અને લોકોમાં હજુ પણ ઉશ્કેરાટનું વાતાવરણ બનેલું છે. જેમાં ઇજા પામનાર મહિલા સફાઈ કર્મચારીએ સિક્યુરિટી અને પોલીસ પર આક્ષેપ કર્યા હતો.
સિક્યુરિટી અને સફાઈ કર્મચારીએ મને લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી છે. ત્યારબાદ વાલ્મિકી સમાજ હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા. બાદમાં એ.એસ.પી નિશાત પાંડે અને એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ જી.જી. હોસ્પિટલથી મામલો સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. અને વાલ્મિકી સમાજ દ્વારા આખી ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. અને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
તે દરમિયાન એએસપી નિશાન પાંડે દ્વારા આખી ઘટનાની તપાસ કર્યા બાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. ત્યારબાદ સફાઈ કર્મચારી અને વાલ્મિકી સમાજને પોલીસે તપાસની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે મામલે ટોળું વિફર્યું છે અને ઉગ્ર માંગણી કરી છે તેમાં એક સિક્યુરિટીમેને કથિત રીતે બંદૂક તાણી હતી તેમજ પોલીસની લાકડીથી મહિલા ઘાયલ થઈ હતી જે બે બાબતને લઈને લોકોમાં ભારે ઉશ્કેરાટ છે અને તે જ મામલે સિકયુરીટી મેન અને પોલીસ કર્મી સામે પગલાં લેવાની માંગણી કરી રહ્યા છે.