જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા એક કર્મચારીને પંદર વર્ષ પહેલા નોકરીમાંથી છૂટા કરાયા પછી તેઓને સળંગ નોકરી ગણી નોકરી પર લેવાનો હુકમ કરાયો હતો. તે હુકમ સામે યુનિ.એ હાઈકોર્ટમાં અપીલ કરતા ત્યાં પણ તે હુકમ યથાવત્ રખાયો હતો.
તે પછી પણ કાનૂની લડત આપનાર યુનિ.ને આખરે તે કર્મચારીને નોકરી પર તો લેવા પડ્યા છે, પરંતુ તેઓ અદાલતનો આદેશ હોવા છતાં તે કર્મચારીને પગાર ફિક્સેશન અપાતું ન હોય, આર્થિક-સામાજિક અને માનસિક મુશ્કેલીમાં મૂકાયેલા કર્મચારીએ રાજ્યપાલને પોતાને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવા અરજી પાઠવતા ખળભળાટ મચ્યો છે.
જામનગરના રામેશ્વરનગરમાં રહેતા દિપક ઉમેદલાલ પરમારની જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ગુલાબકુંવરબાર આયુર્વેદ મહાવિદ્યાલયમાં રોગ વિજ્ઞાન વિભાગમાં લેબ એટેન્ડન્ટ તરીકે તા. રપ.૪.૧૯૯૪ ના દિને નિમણૂક આપવામાં આવ્યા પછી ગઈ તા. ર૧.ર.ર૦૦૩ ના દિને તેઓને નોકરીમાંથી છૂટા કરી દેવાતા તેઓએ અદાલતનો આશરો લઈ નોકરી પર પુન: સ્થાપિત થવા કેસ કર્યો હતો. આ કેસ ચાલી જતાં તેર વર્ષ પછી તા. ૧૭.૧૦.ર૦૧૬ ના દિને તેઓને સળંગ નોકરી ગણી કામ પર લેવાનો હુકમ કરાયો હતો.
આ હુકમ સામે યુનિ.એ હાઈકોર્ટમાં અપીલ કરતા તેનો ચૂકાદો તા. રપ.૪.ર૦૧૭ ના દિને આવ્યો હતો. જેમાં દિપકભાઈને નોકરી પર પરત લેવાનું જણાવાયું હતું. આ પછી કર્મચારીએ હાજર રિપોર્ટ આપતા તે રિપોર્ટ ન લઈ ફરીથી એલ.પી.એ. નં. ૧૦૬૮/૧૭ અને સાથે સ્પે. સી.એ. નં. ૯૦ર૯/૧૭ કરવામાં આવી હતી જે પણ હાઈકોર્ટે તા. ૧૮.૮.ર૦૧૭ ના દિને રદ કરી દિપકભાઈને તા. પ.૧૦.ર૦૧૭ ના દિને ફરજ પર હાજર થવાનો હુકમ કર્યો હતો. તેથી હાજર થયેલા દિપકભાઈને નોકરી પર તો લેવામાં આવ્યા છે,
પરંતુ મજૂર અદાલત તથા હાઈકોર્ટના આદેશ અનુસાર પગાર ફિક્સેશન આપવામાં આવ્યું નથી.તેર વર્ષ પછી નોકરી પર હાજર થયેલા કર્મચારીએ આ સમય દરમિયાન ઉછીઉધારા કર્યા હતાં. તે રકમ તેઓ પગાર ફિક્સેશન ન મળતા ચૂકવી શકતા ન હોય, તેઓએ મકાન વેંચી નાખવું પડ્યું છે. ઉપરાંત પોતાના પુત્રના બીસીએના અભ્યાસની ફી ભરી ન શકાય તેમ હોવાના કારણે તેનું એડમિશન કેન્સલ કરાવવું પડ્યું છે.
અગાઉ સગા-સંબંધી પાસેથી હાથ ઉછીની રકમ મેળવી હોય, તેઓ કોઈ પાસે મદદ મેળવી શકતા નથી અને પોતાના વૃદ્ધ માતા-પિતા સહિતના પરિવારનું ભરણપોષણ કરી શકતા નથી. અદાલતે તેઓને આપવાની થતી રકમ અંગે હુકમ કર્યો હોવા છતાં યુનિવર્સિટી દ્વારા તે મુજબનો પગાર અપાતો ન હોય, ભારે આર્થિક-સામાજિક અને માનસિક મુશ્કેલીમાં મૂકાયેલા આ કર્મચારી નાસીપાસ થયા છે.
આ ઉપરાંત કૌટુંબિક કે વ્યવહારિક કારણસર રજા ઈચ્છતા દિપકભાઈને રજા આપવામાં આવતી નથી અથવા પગાર કાપી રજા આપવામાં આવે છે. આથી તેઓની આર્થિક મુશ્કેલીમાં વધારો થવા પામે છે. તેઓએ પોતાને ગ્રેડેશન આપવા માટે અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરી છે તેમ છતાં અને અદાલતના આદેશ હોવા છતાં યુનિવર્સિટી આ કર્મચારીને તેનો હક્ક આપતી નથી. આ કર્મચારી યુનિ.માં ક્વાર્ટર મેળવવા હક્કદાર હોવા છતાં તેઓને ક્વાર્ટર પણ અપાતું નથી.
ઉપરોક્ત તમામ વિષમ પરિસ્થિતિઓથી થાકી, હારી દિપકભાઈ પરમારે રાજ્યના ગવર્નર (રાજ્યપાલ) સમક્ષ અરજી પાઠવી પોતાને ઈચ્છા મૃત્યુ માટે પરવાનગી આપવાની વિનંતી કરી છે. આ રજૂઆતના પગલે ભારે ખળભળાટ મચ્યો છે. રજૂઆતની નકલ મુખ્યમંત્રી, જામનગર કલેક્ટર, યુનિ.ના વાઈસ ચાન્સેલર, કુલસચિવ વગેરેને પાઠવવામાં આવી છે.