- પી.જી.વી.સી.એલ. લેબમાં ત્રણ મીટરોમાંથી વિજ ચોરી થતી હોવાનો ‘ઘટ સ્ફોટ’
જામનગર પીજીવીસીએલ ની કચેરીના લેબોરેટરી વિભાગમાં વીજ ચેકિંગ દરમિયાન એકી સાથે ત્રણ વીજ મિટરોમાં વિજ ગ્રાહકો દ્વારા વીજ ચોરી થતી હોવાનું ચકાસણી દરમિયાન સામે આવ્યું હતું, અને ત્રણેય વીજ ગ્રાહકોને 1,40,000 ના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે. જેમાં એક વીજ ગ્રાહક દ્વારા તો મીટરના સીલ તોડી અંદર રહેલી વિજ સર્કિટને બાળી નાખી કોઈ ડેટા પ્રાપ્ત ન થાય, તે રીતે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
પી.જી.વી.સી.એલ. જામનગર શહેર – 1 વિભાગ ની લેબોરેટરીમાં આજે વિજ મીટર તપાસણી અંગેની કામગીરી સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ ના નાયબ ઇજનેર અજય પરમાર તથા લેબ નાયબ ઇજનેર ડી એન ચોપડા દ્વારા કરવામાં આવી રહી હતી, જે દરમ્યાન ત્રણ વીજ મીટરોમાં વીજ ચોરી થતી હોવાનું માલૂમ પડયું હતું.
જેમાંથી એક વીજ મીટરમાં અનોખા પ્રકારની વીજચોરી ધ્યાને આવી હતી. લેબોરેટરીમાં એક ગ્રહકનું વીજ મીટર જ્યારે ખોલવામાં આવ્યું, ત્યારે મીટર સાથેના દરેક સિલો ના વાયર કાપીને ફરી ખબર ન પડે એ રીતે ચોટાડેલા હતા, તથા વધુ પરીક્ષણ કરતાં મીટરના ટોપ કવર ને ખોલીને અંદર ના સર્કિટમાંથી ડિસ્પ્લે નો વાયર કાપી નાખવામાં આવ્યો હતો. અને મીટરનો એમ.આર.આઈ. ડેટા ના મળે, તેવી રીતે સર્કિટ ને બાળી નાખવામાં આવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને ત્યારબાદ આ ટોપ કવર ફરી ફીટ કરી વીજ ચોરી થતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જે બાબતે આ ગ્રાહક (કોઠારી ક્ધસ્ટ્રક્શન) ના વપરાશ કર્તા (હેમાલીબેન વિરલભાઈ ગોહિલ, રહે. ધરા એપાર્ટમેન્ટ, હાલાર હાઉસ, સ્વામી નારાયણ નગર )ને વીજ-અધિનિયમની કલમ 135 હેઠળ રૂ. 1,06,755 નું દંડનીય બિલ ઇસ્યુ કરી વીજ ચોરીની એફ.આઈ.આર. જી.યુ. વી.એન.એલ. પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે વીજચોરીના કિસ્સાઓમાં અનુક્રમે રૂ. 18,782 તથા રૂ. 17,091 ના દંડના બિલ ઇસ્યુ કરવામાં આવ્યા છે.