સૌરાષ્ટ્ર સૌથી મોટી એવી ગુરૂ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં દરરોજ અસંખ્ય દર્દીઓ બહાર ગામથી સારવાર માટે આવતા હોય છે અને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના સગાઓ પણ સાથે આવતા હોય છે. જેના કારણે હોસ્પિટલના વોર્ડમાં લોકોનો મેળાવડો જામતો હોય છે. આવા દર્દીઓના સગાઓને વોર્ડમાં આવતા અટકાવવા માટે તંત્ર દ્વારા સતત દર્દીની સાથે એક જ સગાને રહેવાની છૂટ આપવામાં આવી છે. જેથી વોર્ડમાં દર્દીઓને તકલીફ ન પડે. ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓના સગાઓને બેડ પરથી ઉભા થઈ બહાર જવાનું કહેતા દર્દીના સગા ઉશ્કેરાયા હતા.
મંગળવારે બપોરના સમયે હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીના સગા તેમના બેડ પર બેઠા હતાં તે સમયે રેસીડેન્ટ તબીબ રણજીત નાયરે બીજા દર્દી આવે છે તેને ઓકસીજનની જરૂરિયાત છે માટે બેડ પર બેસેલા સગાને ત્યાંથી ઉભા થઈ બહાર જવાનું કહેતા દર્દીના સગાએ ઉશ્કેરાઈને રેસિડેન્ટ તબીબને ધકકો મારી ફરજમાં રૂકાવટ કરી હતી. તેમજ ઉશ્કેરાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ડાબા તથા જમણા કાનના ભાગે ફડાકા મારી ડાકા કાનના પડદાના ભાગે કાંણુ પાડી દઈ ઇજા પહોંચાડી હતી.
હોસ્પિટલમાં તબીબ ઉપર કરાયેલા હુમલાને કારણે ફરજ બજાવતા તબીબોમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો અને તબીબો એકઠા થઈ ગયા હતાં તેમજ અવાર-નવાર થતા તબીબો પરના હુમલાને કારણે તબીબો દ્વારા ભવિષ્યમાં હુમલા ન થાય તે માટે ડિનને રજૂઆત કરવામાં આવી હતી. દર્દીના સગા દ્વારા કરાયેલા હુમલાના સીસીટીવી ફુટેજો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં અને ત્યારબાદ રાત્રિના સમયે હુમલાનો ભોગ બનનાર તબીબ દ્વારા દર્દીના સગા વિરુધ્ધ વિધીવત પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પીએસઆઇ એસ.એમ. રાદડિયા દ્વારા દર્દીના સગા વિરુધ્ધ ફરજમાં રૂકાવટ અને હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.