જામનગર સમાચાર
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા મંગળવારે સવારે બર્ધન ચોક નજીકના એક વિસ્તારમાં દબાણ હટાવવા માટે પહોંચી હતી. સાથે સિકયુરીટી વિભાગના વડા પણ પોતાની ટીમ સાથે હતા આમ છતાં દબાણકર્તાએ સૌની નજર ચૂકવીને ફિનાઇલ ગટગટાવી લીધું અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ પ્રકારની બબાલ થતાં દબાણ હટાવ કામગીરી મોકુફ રહી હતી. અને તંત્રએ દબાણકરનાર વિરૂદ્ધ ફરજ રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી દીધી હોવાનું સિકયુરીટી વડાએ જણાવ્યું છે.
બર્ધનચોક વિસ્તારમાં સિંધી માર્કેટ વિરૂદ્ધ મોટુફળી નામનો પેટા વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં એક સિડી એટલે કે દાદર દબાણ તરીકે ગોઠવવામાં આવેલ હોવાનું એસ્ટેટ વિભાગના ધ્યાનમાં આવતા વિભાગ દ્વારા જે તે સમયે આ દબાણ કરનારે નોટીસ આપવામાં આવી હતી. નોટીસની સમય મર્યાદા પૂર્ણ થતાં મંગળવારે સવારે એસ્ટેટ અધિકારી એન.આર. દિક્ષીતના વડપણ હેઠળ દબાણ હટાવ ટૂકડી મોટુફળી વિસ્તારમાં પહોંચી હતી.
આ સમયે સિકયુરીટી વિભાગના વડા સુનિલ ભાનુશાળી પણ પોતાની ટીમ સાથે જોડાયા હતાં. આ સમયે દબાણ કરનાર ભરત લક્ષ્મણદાસ જયસિંઘાની નામના યુવાને ફિનાઇલ ગટગટાવી લેતાં દોડધામ મચી ગઇ હતી. બાદમાં આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
તે દરમિયાન ભરત જયસિંઘાનીના કાકા અશોક જયસિંઘાનીએ મીડિયા સમક્ષ શાસક જૂથના પૂર્વ નેતા પર આશ્ર્ચર્યકારક આક્ષેપો કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, શાસકજૂથના પૂર્વ નેતા પણ આ વિસ્તારમાં જ રહે છે. ભૂતકાળમાં આ પૂર્વનેતાને કેટલાક દુકાનદારો સાથે પણ બબાલ થયેલી જે તે સમયે મેયર તથા એક પોલીસ અધિકારીએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી.
આ વિસ્તાર ઘણાં સમયથી જુદા જુદા પ્રકારની બબાલનુ કેન્દ્ર બનેલો છે. તે દરમિયાન મંગળવારે સવારે દબાણ કરનારે ફિનાઇલ પી લેતાં દબાણ હટાવવાની કામગીરી તંત્રએ મોકુફ રાખવી પડી હતી. અને જે અનુસંધાને એસ્ટેટ વિભાગના વડા નીતિન દિક્ષીતે દબાણ કરનાર વિરૂદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી હોવાનું સિકયુરીટી વિભાગના વડા સુનીલ ભાનુશાળીએ અબતકને જણાવ્યું હતું. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, એસ્ટેટ વિભાગના અધિકારી દિક્ષીતે એક કરતા વધુ પ્રયત્ન છતાં ફોન રિસીવ કર્યા ન હતાં.
સાગર સંઘાણી