આઈપીએલ ટુર્નામેન્ટની શરૃઆત થવાની સાથે જ હરકતમાં આવેલા જામનગરના ડબ્બા સંચાલકોએ સટ્ટો રમાડવાનું શરૃ કરી દીધું છે ત્યારે પોલીસે પણ ડબ્બા પકડી પાડવા કમર કસી છે. ગઈકાલે બે સ્થળેથી ક્રિકેટનો સટ્ટો પકડી પાડવામાં આવ્યો છે. પાનની દુકાને રનફેરનો જુગાર રમતો શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યો છે, જ્યારે એક મકાનમાંથી એલસીબીએ ડબ્બો પકડી તેના આઠ ગ્રાહકોના નામ મેળવી લીધા છે.
ચારેક દિવસથી ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)નો પ્રારંભ થયો છે જેમાં આઠ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમવામાં આવી રહી છે, છેલ્લા દસ વર્ષથી શરૃ થયેલા આઈપીએલે ક્રિકેટપ્રેમીઓને ઘેલુ લગાડયું છે ત્યારે કેટલાક તત્ત્વો તેના પર સટ્ટો રમાડતા હોય આવી પ્રવૃત્તિને ડામી દેવા માટે પોલીસે પણ કમર કસી છે તે દરમ્યાન ગઈકાલે જામનગરના પટ્ટણીવાડમાં આવેલી પાનની એક દુકાને ટીવી પરથી પ્રસારીત થતી ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની બે ટીમ વચ્ચે રમાતા મેચને નિહાળી એક શખ્સ સટ્ટો રમતો હોવાની બાતમી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના પો.કો. યોગરાજસિંહ તથા અશોક સોલંકીને મળતા રાત્રે નવેક વાગ્યે પોલીસે પટ્ટણીવાડમાં આવેલી ગફારભાઈની પાનની દુકાન પાસે દરોડો પાડયો હતો.
આ સ્થળેથી અલીમામદ રઝાક ધ્રોલિયા નામનો મેમણ શખ્સ પોતાના મોબાઈલ મારફત રનફેર, વિકેટ વગેરેનો જુગાર રમતો મળી આવ્યો હતો. પોલીસે તેના કબજામાંથી રૃા.૧૨૭૦ રોકડા અને મોબાઈલ કબજે કરી પૂછપરછ કરતા તેણે પોતાની પાસેથી સોદા લેતા નાવિદ નઝીર નામના શખ્સનું નામ આપ્યું છે. પોલીસે તેની શોધ શરૃ કરી છે. આ કાર્યવાહીમાં પીઆઈ કે.આર. સકસેનાની સૂચનાથી પીએસઆઈ એસ.કે. મહેતા, સ્ટાફના એમ.જે. રાણા,શિવભદ્રસિંહ, સંજય પરમાર, ફિરોઝ ખફી, રવિ બુજડ, રામદેવસિંહ સાથે રહ્યા હતા.
જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણનગરમાં શેરી નં.પમાં માધવ નામના મકાનમાં ગઈરાત્રે નવેક વાગ્યે પૂર્વ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડતા તે સ્થળેથી કલ્પેશ સુરેશભાઈ પરમાર નામનો શખ્સ ટીવી પરથી પ્રસારીત થતી ક્રિકેટ મેચને નિહાળી તેના આધારે મોબાઈલ પર પોતાના ગ્રાહકો સાથે રનફેર સહિતનો જુગાર રમતો મળી આવ્યો હતો. એલસીબીએ સ્થળ પરથી રૃા.૨૪૦૦ રોકડા, મોબાઈલ, ટીવી સહિતનો રૃા.૧૯૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સના મોબાઈલમાંથી ચિંતન, ૪૬ નંબર, પસિયો ખવાસ, સરકાર, અમિત ખવાસ, રવિભાઈ, ૯૮ નંબર, વિનોદ ખવાસ સહિતના આઠ શખ્સોના નામ મળ્યા છે. એલસીબીના જયુભા ઝાલાએ આ તમામ શખ્સો સામે
ડિવિઝનમાં જુગારધારાની કલમ-૪, પ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,