જામનગર સમાચાર
જામનગરના બેડી વિસ્તારમાં સરકારી જમીન પર બંગલા ટાઈપનું મકાન ખડકી દઈ દબાણ કરી લેનાર શખ્સ સામે કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે, અને દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.જામનગર નજીક બેડીના ઢાળિયા પાસે રહેતા રજાક નૂરમામદ સાયચા કે જેના દ્વારા છેલ્લા ૨૬ વર્ષના સમયગાળા દરમિયાન બેડી બંદર રોડ ઉપર બેડીના ઢાળીયાથી ગરીબ નગર પાણાખાણ સુધીની સરકારી જમીનમાં મોટા પાયે દબાણ ખડકી દેવામાં આવ્યું હતું, અને બંગલા ટાઈપ મકાન વગેરે ખડકી દેવાયું હતું.
સરકારી તંત્રને આ અંગેની જાણકારી થતાં જામનગર શહેર વિભાગના મામલતદાર ઓફિસના સરકાર ઓફિસર હિતેશ ખુશાલભાઈ જાદવ દ્વારા ખરાઈ કરવામાં આવી હતી, અને સરકારી જમીનમાં ગેર કાયદે દબાણ થયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેથી સર્કલ ઓફિસર હિતેશ જાદવ જાતે ફરિયાદી બન્યા હતા, અને દબાણ કરનાર સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત) વિધેયક ની કલમ ૪(૩), ૪(૩), અને ૫ (ગ) મુજબ ગુનો નોંધ્યો છે, તપાસ શરૂ કરી છે.આ જમીન દબાણ પ્રકરણમાં આરોપી રજાક સાઈચા ની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે, કેમ તે અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.