ગાગવા ગામે ઘરકંકાશથી કંટાળી યુવાને જાત જલાવી:
શેઠવડાળા ગામે જમતા જમતા ઢળી પડેલા વૃધ્ધનું મૃત્યુ
જામનગર જિલ્લામાં આપઘાત-અપમૃત્યુ વધુ ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં નાઘેડી ગામે બિમારીથી કંટાળી વૃધ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયુ છે. જ્યારે ગાગવા ગામે જામનગરના યુવાને શરીર પર પેટ્રોલ છાંટી સળગી જઇ જીવ દીધો હોવાની વિગતો પોલીસમાં જાહેર થઇ છે.
જામનગર નજીકના નાઘેડી ગામે ગઇકાલે સવારે સાતેક વાગ્યે પીઠાભાઇ કારાભાઇ ભાટુ નામના 65 વર્ષના વૃધ્ધે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
છેલ્લા 15 વર્ષથી કિડનીની બિમારીમાં પટકાયેલા વૃધ્ધને વળતર નહીં તથા બિમારીથી કંટાળી આ પગલુ ભરી લીધુ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જ્યારે જામનગર નજીકના ગાગવા ગામે નિલેશભાઇ ચુનીલાલભાઇ ગઢકા (ઉ.વ.40) નામના જામનગરમાં રોયલ પુષ્પા પાર્કમાં રહેતા આ યુવાને પોતાના હાથે પેટ્રોલ શરીર પર છાંટી સળગી જઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે બનાવ અંગે મૃતકના પરિવારજનોને નિવેદન નોંધવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જામનગર જિલ્લાના શેઠવડાળા ગામે રહેતા મેપાભાઇ નારણભાઇ વાઘેલા (ઉ.વ.73) નામના વૃધ્ધનું જમતા જમતા ઢળી પડતા મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી પુર્ણ કરી હતી.