- લાલપુર તાલુકાના સણોસરી નજીક બાઇકની આડે કૂતરું ઉતરતાં બાઈક સ્લીપ થવાથી ગોઝારો અકસ્માત
- બાઈક સવાર શ્રમિક દંપત્તિ ઘાયલ: જ્યારે આઠ વર્ષના માસુમ પુત્રનું માતા પિતાની નજર સમક્ષ કરુણ મૃત્યુ
જામનગર ન્યૂઝ : જામનગર- લાલપુર ધોરીમાર્ગ પર સણોસરી ગામના પાટીયા પાસે બાઇકની આડે કૂતરું ઉતરતાં ગોઝારો અકસ્માત થયો હતો, અને બાઇક સવાર પર પ્રાંતિય શ્રમિક દંપત્તિ ઘાયલ થયું છે, જ્યારે બાઈકમાં તેઓની સાથે બેઠેલા આઠ વર્ષના માસુમ પુત્રનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. જે મામલે લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ ભાણવડ તાલુકાના વાનાવડ ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગુડ્ડુ ભાઈ વેસ્તાભાઈ હદીયા અને તેની પત્ની અજમાબેન ગુડ્ડુ ભાઈ કે જેઓ ગઈકાલે પોતાના એમ.પી.૬૯ એમ.બી.૦૫૯૭ નંબરનું બાઈક લઈને લાલપુર તાલુકાના ઇશ્વરીયા ગામે ગયા હતા, અને ત્યાંથી પોતાની વાડીએ પરત ફરી રહ્યા હતા. તેઓની સાથે તેમનો ૮ વર્ષ નો પુત્ર અર્જુન પણ બાઈકમાં સાથે બેઠો હતો. જેઓ સણોસરી ગામના પાટીયા પાસે પહોંચ્યા હતા, જે દરમિયાન એકાએક કૂતરું બાઈકની આડે આવતાં બાઈક ફંગોળાઈને માર્ગ પર સ્લીપ થયું હતું, જેમાં દંપતિ ઘાયલ થયું હતું. જેઓની સાથે રહેલા આઠ વર્ષના માસુમ પુત્ર અર્જુનને ગંભીર ઇજાઓ થઈ હતી, અને બેશુદ્ધ બન્યો હતો.
આ દરમિયાન ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને બાળકને સારવાર માટે ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકનું પોતાના માતા-પિતાની નજર સમક્ષ મૃત્યુ નિપજ્યું હતું. જે બનાવને લઈને શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવની જાણ થતાં લાલપુરના એ.એસ.આઈ ડી.સી. ગોહિલ ઘટના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
સગાર સંઘાણી